ગુજરાતટોપ ન્યૂઝ

સોખડાનો વિવાદ દરિયાપાર પહોંચ્યો, પ્રેમસ્વરૂપ મહારાજને ન્યૂજર્સી ખાતે આવેલા મંદિરમાં પ્રવેશ ન અપાયો, રસ્તા પરથી જ દંડવત કર્યા

Text To Speech

સોખડાનો વિવાદ સાત દરિયાપાર અમેરિકા પહોંચી ગયો છે. અમેરિકાના ન્યૂજર્સી સ્થિત હરિધામના મુખ્ય મંદિરમાં હરિભક્તો સાથે દર્શને પહોંચેલા પ્રેમસ્વરૂપ સ્વામીને મંદિરમાં પ્રવેશ આપવાની ચોક્કસ જૂથના લોકો દ્વારા ના પાડવામાં આવી હતી. આખરે પ્રેમસ્વરૂપ સ્વામીએ મંદિરની સામે રોડ પરથી ભગવાનને દંડવત કર્યા હતા. અગાઉ વડોદરા સોખડા હરિધામ મંદિરમાં ભક્તોને મંદિરમાં પ્રવેશતા રોક્યા હતા, તેનો પડઘો અમેરિકામાં પડ્યો હતો.

સોખડા સંપ્રદાયના નવા ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામીનું અમેરિકાની ધરતી પર હળહળતું અપમાન થયું હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા છે. અમેરિકાના સોખડા સ્વામિનારાયણ સંચાલિત મંદિરે પ્રેમસ્વરૂપ સ્વામીને દર્શન ન કરવા દેતાં વિવાદ વકર્યો છે. અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામી દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં બાઉન્સરોએ અટકાવ્યા હતા. અમેરિકામાં પણ સામેના જૂથના સત્સંગી સહિતના બાઉન્સરોએ દર્શન માટે અટકાવતા ફરી મંદિરની જૂથબંધી સામે આવી છે.

ઠાકોરજીને પણ મંદિરમાં પ્રવેશ ન અપાયો
​​​​​​​પ્રેમ સ્વામીના હરિભક્તોનો આક્ષેપ છે કે, સોખડામાં બાઉન્સર્સ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરનારાં જૂથે સંતો-ભક્તોને દર્શન કરતા અટકાવવા અમેરિકામાં બાઉન્સર્સ રોક્યા હતા. પ્રેમસ્વરૂપ સ્વામી સંસ્થાના મુખ્ય મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. જોકે સામા પક્ષના લોકો દ્વારા તેમને મંદિરમાં પ્રવેશવાની ના પાડી હતી. બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી દ્વારા પ્રતિષ્ઠિત ઠાકોરજી હંમેશાં પ્રેમસ્વરૂપ સ્વામીજી સાથે હોય છે. સંતોની સાથે ઠાકોરજીને પણ મંદિરમાં પ્રવેશ અપાયો ન હતો.

SOKHDA CONTROVERSY
નવા ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામી જાહેર રસ્તા પરથી દંડવત કરી દર્શન કરી રહ્યા છે, જેને કારને અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામીનું હળહળતું અપમાન કરવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે

પ્રેમ સ્વામી જૂથનો મંદિર ઉપર કબજાનો પ્રયાસ : પ્રબોધમ જૂથ
પ્રેમ સ્વામી જૂથ ન્યૂજર્સી યોગી ડિવાઈન સોસાયટીના મુખ્ય મંદિર પર કબજો જમાવવા પ્રયાસ કરાતો હોવાનો આક્ષેપ પ્રબોધ જૂથના ભક્તોએ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, ગુરુ પૂર્ણિમાએ પ્રબોધ સ્વામીના હરિભક્તોએ એડિસનમાં કાર્યક્રમ રાખ્યો હતો. સામા પક્ષના ભક્તોએ કાર્યક્રમ માટે હોલ આપ્યો નહતો. ન્યૂજર્સી મંદિરની કમિટીના 15માંથી 14 સભ્યો પ્રબોધ જૂથના છે ત્યારે સામા પક્ષને તેમાં કબજો જમાવવો છે. જેથી પ્રેમ સ્વામી જૂથનું સમર્થન કરતા સભ્યોએ ન્યૂજર્સી યોગી ડિવાઈન સોસાયટી વિરુદ્ધ ખોટા આરોપો સાથે અમેરિકાની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.

જાહેર રસ્તા પરથી દંડવત કર્યા
હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક અનુગામી અને યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામી અમેરિકાની ધર્મ યાત્રાએ આવ્યા છે. આ ધર્મ યાત્રા દરમિયાન પ્રેમસ્વરૂપ સ્વામી ન્યૂ જર્સી સ્થિત આવેલ મંદિરે પધાર્યા હતા. પરંતુ પ્રેમસ્વરૂપ સ્વામી અને ભક્તોને દર્શન કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. અમેરિકાના ન્યુ જર્સી મંદિરમાં શિલાન્યાસથી માંડીને નિર્માણના દરેક તબક્કે પ્રેમ સ્વરૂપ સ્વામીનું યોગદાન રહેલું છે. ત્યારે હવે તે જ મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને ભક્તોને પ્રવેશવાની મનાઈ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સોખડા સંપ્રદાયના નવા ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામી જાહેર રસ્તા પરથી દંડવત કરી દર્શન કરી રહ્યા છે, જેને કારને અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામીનું હળહળતું અપમાન કરવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.

Back to top button