ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

વરસાદી સિઝનમાં માટલાનું પીવો છો પાણી? તો જાણો તેના ફાયદા છે કે નુકસાન

HD ન્યૂઝ ડેસ્ક, 3 ઓગસ્ટ, પાણી પીવું એ સારું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ તમે એ પાણી માટલામાંથી પીવો છો કે ફ્રીઝમાંથી તેના પર નિર્ભર કરે છે. ઉનાળામાં માટલાનું પાણી પીધા બાદ લોકો વરસાદની સિઝનમાં પણ માટલાનું પાણી પીવે છે. આયુર્વેદથી લઇને પ્રાકૃતિક ચિકિત્સા અને યોગમાં પણ માટીના માટલામાં ભરેલું પાણી પીવાના ફાયદા જણાવવામાં આવ્યા છે. તેવામાં સવાલ એ છે કે ગરમીમાં શીતળતા આપતું માટલાનું પાણી વરસાદની સિઝનમાં પીવું ફાયદાકારક છે કે નુકસાનકારક?

થોડી બેદરકારીથી પણ માટલાનું પાણી શરીરને પહોંચાડે છે નુકસાન
માટલાનું પાણી શરીર અને મન બંને માટે ફાયદાકારક હોય છે. ઉનાળામાં માટલાનું પાણી હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. માટલાનું પાણી શરીર માટે ફાયદાકારક બને તે માટે જરૂરી છે કે માટલાના પાણીને બરાબર જોયા પછી ઉપયોગમાં લેવું જોઈએ, એટલું જ નહીં પરંતુ તેમાંથી પાણી લેતી વખતે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. થોડી બેદરકારીથી પણ માટલાનું પાણી શરીરને નુકસાન પહોંચાડે છે. તમે તમારા ઘરમાં માટીના માટલાનું પાણી પીવા માટે ઉપયોગમાં લો છો તો તમે જોયું હશે કે વરસાદની સિઝન આવતા માટલું પાણીને ઓછું ઠંડુ કરવા લાગે છે અથવા તો માટલા ઉપર સફેદ રંગનું લેયર જામવાનું શરૂ થઇ જશે. જો તમે આ લેયરને સાફ નહીં કરો તો પછી બહાર પોપડી બનીને પાણીની અંદર પડવા લાગશે. આ એક પ્રકારની ફંગસ હોય છે.

માટલાની સાફ-સફાઇને લઇને વિશેષ ધ્યાન આપવું
માટલાને અંદરથી ધોયા વિના ઘણા દિવસો સુધી પાણી ભરતા રહો તો શક્ય છે કે માટલાની અંદર કેટલાંક બેક્ટેરિયા પણ પેદા થઇ જતાં હોય છે. તેવામાં વરસાદની સિઝનમાં માટલાની સાફ-સફાઇને લઇને વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. જો કે તેનું પાણી વરસાદની સિઝનમાં પીવું જોઇએ કે નહીં તેને લઇને એક્સપર્ટનો અભિપ્રાય કંઇક અલગ છે. માટલાની ખરીદી કરવા જાવ તો ધ્યાન રાખો કે અંદર કોઈપણ પ્રકારનો પેઈન્ટ કે રંગની ડિઝાઇન ન હોય. અંદર કલર કે પેઈન્ટ રંગની ડિઝાઇન હોવાને કારણે તે પીવાના પાણીના સંપર્કમાં રહે છે જેના કારણે પાણીની સાથે હાનિકારક રસાયણો શરીરમાં પ્રવેશ કરે છે.

એક્સપર્ટે આપ્યો જવાબ
મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થાન નવી દિલ્હીના ડાયરેક્ટર ડૉ. કાશીનાથ સમગંડીએ કહ્યું છે કે, વરસાદના દિવસોમાં માટલાનું પાણી પીવું યોગ્ય નથી કારણ કે તેમાં બૅક્ટેરિયાને વધારતા ગુણ હોય છે. તેનાથી શરીરમાં વાત દોષનું અસંતુલન વધે છે. તેથી વરસાદની સિઝનમાં માટલાનું પાણી ન પીવું જોઈએ. આ સિવાય આયુર્વેદ પણ માને છે કે વરસાદની સિઝનમાં બૅક્ટેરિયા વધી જાય છે. માટલાની આસપાસ પણ આ બૅક્ટેરિયા પેદા થાય છે. તેથી માટલાનું પાણી વરસાદની સિઝનમાં પીવું એ યોગ્ય નથી. વરસાદની સિઝનમાં તમે તાંબાના વાસણમાં ભરેલું પાણી પી શકો છો. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ સિઝનમાં આપણા પ્રાચીન ઋષિ-મુનીઓ તાંબા કે સ્ટીલના વાસણમાં પાણી પીવાની સલાહ આપે છે .તાંબુ બિનજરૂરી બેક્ટેરિયાને મારીને પાણીને શુદ્ધ કરે છે.

આ પણ વાંચો..હેલ્ધી ડાયેટ લીધા બાદ પણ થાક લાગે છે? તો હોઈ શકે છે આ બીમારીનો સંકેત

Back to top button