ટ્રેન્ડિંગનેશનલ

નર્સરીનો વિદ્યાર્થી બેગમાં મૂકીને લાવ્યો બંદૂક, ત્રીજા ધોરણના વિદ્યાર્થીને મારી ગોળી

Text To Speech

પટના, 31 જુલાઈ : આજકાલ નાનીનાની વાતમાં લોકો ગુસ્સે ભરાઈ જાય છે. અને મારામારી સુધી પહોંચી જાય છે. મોટા તો ઠીક પરંતુ હવે નાના બાળકો પણ બહુ જલ્દી ગુસ્સે ભરાઈ જાય છે. બાળકોના ગુસ્સે થવાની એક ઘટના સામે આવી છે. જેમાં ગુસ્સે ભરાયેલું બાળક બીજા બાળકની હત્યા કરવા સુધી પહોંચી જાય છે. જે ખરેખર એક વિચારવા લાયક ઘટના છે. અને સમાજ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે.

બિહારના સુપૌલ જિલ્લામાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં લાલપટ્ટી વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં અભ્યાસ કરતા એક નર્સરી ક્લાસના વિદ્યાર્થીએ 10 વર્ષના બાળકને ગોળી મારી દીધી હતી. હાથમાં ગોળી વાગતાં વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ વિદ્યાર્થી ત્રીજા ધોરણમાં ભણતો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ પાંચ વર્ષના બાળકે હથિયાર પોતાની બેગમાં છુપાવી રાખ્યું હતું. આ ઘટના બાદ શાળામાં ચકચાર મચી ગઈ હતી. માહિતી મળ્યા બાદ પોલીસ શાળામાં પહોંચી અને પાંચ વર્ષના બાળક સુધી હથિયાર કેવી રીતે પહોંચ્યું તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસ અધિક્ષક શૈશવ યાદવના જણાવ્યા અનુસાર, “નર્સરીના વિદ્યાર્થીએ એ જ શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતા 10 વર્ષના છોકરા પર ગોળીબાર કર્યો. ગોળી તેના હાથમાં વાગી હતી. ઘાયલ છોકરાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. બાળક પાસે બંદૂક કેવી રીતે આવી તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

શાળાઓએ દરરોજ વિદ્યાર્થીઓની બેગ તપાસવી જોઈએઃ એસ.પી

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસ અધિક્ષકે કહ્યું, “અમે જિલ્લાભરની શાળાઓને નિયમિત ધોરણે વિદ્યાર્થીઓની બેગની સંપૂર્ણ તપાસ કરવા માટે કહી રહ્યા છીએ. આ ઘટના વાલીઓ અને શિક્ષકો માટે ચિંતાનો વિષય છે.”

આ પણ વાંચો :UPSC વિદ્યાર્થીઓના મોત મામલે દિલ્હી સરકારને ફટકાર, HCએ પૂછ્યું- MCDના કેટલા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી?

Back to top button