લો હવે નીતિશ કુમારના પુત્રના રાજકારણ પ્રવેશની ચર્ચાઃ જાણો શું કહ્યું નિશાંતે
પટણા, 28 જુલાઈઃ નરેન્દ્ર મોદી અને ભાજપના મોટાભાગના નેતાઓની જેમ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે પણ તેમના પરિવારને રાજકારણથી દૂર રાખ્યો છે. જોકે છેલ્લા થોડા દિવસથી બિહારમાં એવી અટકળો ચાલી રહી છે કે નીતિશ કુમારનો એકમાત્ર પુત્ર નિશાંત કુમાર રાજકારણમાં આવવાનો છે. આ અંગે રાજકારણીઓ તેમજ મીડિયામાં ચર્ચા અને નિવેદનબાજી ચાલી રહ્યાં છે.
જો કે, તાજેતરમાં નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર પટનામાં એક સાર્વજનિક સ્થળે જોવા મળ્યા હતા ત્યારે તેણે પોતે જ આ અંગે જવાબ આપ્યો હતો. પટનામાં એક ઈલેક્ટ્રોનિક શોપની મુલાકાતે ગયેલા નિશાંતને પત્રકારોએ પૂછ્યું કે શું તે રાજકારણમાં જોડાશે? તો નિશાંતે કહ્યું કે તેને આધ્યાત્મિકતામાં રસ છે અને દુકાનમાં સ્પીકર ખરીદવા આવ્યા છે જેથી તે ભજનને યોગ્ય રીતે સાંભળી શકે. તેણે વધુમાં કહ્યું કે, હું આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આવ્યો છું. હું મોબાઈલ પર હરે રામ, હરે કૃષ્ણ સાંભળવા માટે સ્પીકર ખરીદવા આવ્યો છું, જેથી હું તેના પર સારી રીતે સાંભળી શકું.
કથિત પત્રકારો દ્વારા એકનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તમે રાજકારણમાં આવી રહ્યા છો? તેનાથી અકળાયેલા નિશાંતે તેની સાથે રહેલા સુરક્ષાકર્મીઓને કહ્યું – અરે, ચાલો ચાલો. તે માત્ર એટલું બોલીને કારમાં બેસી ગયા હતા કે હું આધ્યાત્મિક માર્ગ પર ચાલી રહ્યો છું. સ્પષ્ટ છે કે નિશાંત કુમારે પોતે આ અટકળોનો જવાબ આપ્યો છે. સ્પષ્ટ છે કે નિશાંતે તેના પિતાના રાજકીય વારસાને સંભાળવા અંગે સ્પષ્ટ સંકેત આપવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે આવી અટકળો નકામી છે અને તે આધ્યાત્મિક માર્ગ પર ચાલી રહ્યો છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે ફેબ્રુઆરી 1973માં આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા. નીતિશ કુમારનાં પત્ની મંજુ કુમારી સિંહ પટનાની એક શાળામાં શિક્ષિકા હતાં, પરંતુ 2007માં તેમનું અવસાન થયું. નિશાંત તેમનો એકમાત્ર પુત્ર છે. નીતિશ કુમારના ભાઈ-બહેન અને પરિવાર પણ રાજકારણથી દૂર રહે છે. છેલ્લા 18 વર્ષથી બિહારના મુખ્યમંત્રી રહેલા નીતિશ કુમારનો પરિવાર ઘણો નાનો છે. લાઈમલાઈટ અને રાજકારણથી દૂર તેમનો પરિવાર ક્યારેય રાજકારણમાં સક્રિય રહ્યો નથી. તેમનો એકમાત્ર પુત્ર નિશાંત કુમાર ક્યારેય રાજકીય લાઈમલાઈટમાં આવ્યા નથી. નિશાંત તેના પિતાની જેમ એન્જિનિયર છે અને બીઆઈટી મેસરામાંથી સ્નાતક થયા છે. નિશાંતે પોતે કહ્યું છે કે તે તેના પિતાની જેમ ક્યારેય રાજકારણમાં નહીં આવે.
આ પણ વાંચોઃ ચીનનું વધ્યું ટેન્શન, iPhoneનું ઉત્પાદન થશે ભારતમાં, made in india હશે iPhone 16 Pro