અમદાવાદઃ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં ટ્રાફિક નિયમન અંગે સમજ સાથે હેલ્મેટ વિતરણ કરાયું; DCP નીતા દેસાઇ જોડાયાં


25 ફેબ્રુઆરી 2025 અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એસજી 1 ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો, વાલીઓ તથા સામાન્ય નાગરિકોને ટ્રાફિક નિયમોના પાલન અંગે જરૂરી સમજ આપવામાં આવી હતી અને વિના મૂલ્યે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લોકો પોલીસના મિત્ર બનીને નિયમોનું સ્વપાલન કરે
અમદાવાદ શહેર પશ્ચિમ ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે હાઇકોર્ટનું હેલ્મેટ પહેરવા અંગે કડક વલણ છે. તેથી સામાન્ય જનતાએ પણ તેના નિયમોનું પાલન કરવું જરૂરી બને છે. હેલ્મેટ અમારા માટે નહીં પરંતુ પોતાના માટે પહેરવાનો છે. પોતાના પરિવારની સુરક્ષા માટે પહેરવાનો છે. કોઈપણ પ્રકારના અકસ્માત થાય તો માથાનો ભાગ તો સુરક્ષિત હશે તો માણસ જીવી શકે છે. પરંતુ જો માથાના ભાગે ક્યાંય ઈજા થાય છે, તો જીવ ગુમાવવાનો વારો આવે છે. તેથી હેલ્મેટ પહેરવું જીવન બચાવવા જેટલું જ મહત્વનું છે. ખાસ કરીને આજના સમયમાં અમદાવાદમાં દિવસે અને દિવસે રોડ રસ્તાઓ પર ટ્રાફિક વધતો ગયો છે. જે ટ્રાફિક પોલીસ માટે પણ ગંભીર વિષય બન્યો છે. જો સામાન્ય જનતા ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન કરશે. સિગ્નલના નિયમોનું યોગ્ય પાલન કરશે, ટ્રાફિક પોલીસના મિત્ર બનીને પોતાની જવાબદારી સમજીને વાહન ચલાવશે તો ટ્રાફિક સમસ્યા નિવારી શકાય તેમ છે.
મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યા
ICICI લોમ્બાર્ડ કંપની તરફથી SG 1 ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે આવેલા ચિલ્ડ્રન પાર્કમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં જુદી જુદી સ્કુલના બાળકો તથા તેમના વાલીઓ સાથે DCP નીતા દેસાઈ સાથે PI આર.વી વીંછી, SG 1 ટ્રાફિક પોલીસ સ્ટેશન તથા ઇન્ચાર્જ PI બી.એ.ચૌહાણ “એ” ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન તથા ICICI લોમ્બાર્ડ કંપનીના અધિકારીઓ હાજર રહેલ હતા.