બનાસકાંઠા : અફીણના જથ્થા સાથે ઝડપાયેલા સંચોરના શખ્સને ત્રણ વર્ષની સજા
- ડીસા કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી
- સાંચોરનો શખ્સ ધાનેરા પોલીસના હાથે અફીણ સાથે ઝડપાયો હતો
બનાસકાંઠા 09 જુલાઈ 2024 : ડીસાની સેકન્ડ એડી. સેશન્સ કોર્ટે અફીણના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી . ધાનેરા પોલીસે સાંચોરના શખ્સને ત્રણ વર્ષ અગાઉ ₹ 40,900 ની કિંમતના 409 ગ્રામ અફીણ સાથે ઝડપી લીધો હતો .
આ અંગેની હકીકત એવી છે કે, આરોપી રૂગનાથરામ લાડુજી વિશ્નોઈ (ગીલા) રહેવાસી (કેરવી કી ધાની), તા. સાંચોર, જિ. ઝાલોર,રાજસ્થાન ની વર્ષ 2021માં ધાનેરા પોલીસે અટકાયત કરતા તેની પાસેથી 409 ગ્રામ કિંમત રૂપિયા 40,000 900 નો નશીલા અફીણનો રસ મળી આવ્યો હતો. જે અંગે ધાનેરા પોલીસે એનડીપીએસ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી તેમની વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા એનડીપીએસ સ્પેશિયલ કેસ હેઠળ ડીસા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ અંગેનો કેસ ડિસાની કોર્ટ ના બીજા સ્પેશિયલ એડિશનલ સેશન્શ જજ એચ. એચ. કનારા ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ નીલમબેન બ્રહ્મભટ્ટ દ્વારા ઉપરોક્ત કેસમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, NDPSના કેસોમાં આજકાલ દેશના યુવાનો ડ્રગ્સનું સેવન કરીને પોતાનું જીવન અને દેશના યુવાનોનું જીવન બરબાદ કરી રહ્યા છે. અને તેની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડી રહી છે. આંતરરાષ્ટ્રીય રેકેટનો એક ભાગ હોવાથી હાલના કેસમાં મહત્તમ સજા કરવા માટેની રજૂઆતો કરી હતી. આથી ન્યાયાધીશ એ સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખી હતી. અને આરોપી રૂગનાથરામ લાડુજી વિશ્નોઇ (ગીલા) ને એન.ડી.પી.એસ. અધિનિયમની કલમ 8(c), 17(b), 29 હેઠળના ગુના માટે દોષિત ઠેરવી 3 (ત્રણ) વર્ષની સખત કેદની સજા અને રૂ. 10,000 દંડ અને દંડની ચુકવણીમાં કસૂરવાર થાય તો વધુ 6 માસની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. આમ, સમાજમાં દાખલો બેસાડવા અને ભવિષ્યમાં આવા ગુનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે અદાલતે વધતા જતા ડ્રગ્સના ગુનાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ભાભરમાં મુશળધાર વરસાદ, દુકાનોમાં પાણી ઘૂસ્યા