અમદાવાદ શહેરને મેઘરાજા ઘમરોળ્યુ, જાણો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો
- વસ્ત્રાલમાં વિનાયક પાર્ક નજીક ભૂવો પડયો
- મણિનગરમાં સૌથી વધુ અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો
- શહેરમાં અત્યાર સુધીમા મોસમનો કુલ 7.28 ઈંચ વરસાદ નોંધાયો
અમદાવાદ શહેરને મેઘરાજા ઘમરોળ્યુ છે. જેમાં સતત ત્રણ દિવસથી શહેરમાં વરસાદથી 72 સ્થળે પાણી ભરાયા હતા અને 3 ઝાડ ધરાશાયી થયા છે. AMCનો પ્રી-મોન્સૂન એક્શન પ્લાન રીતસરનો ધોવાઈ ગયો છે. જેમાં 4 ભૂવા પડયા, 6 રોડ સેટલમેન્ટ કરાયા છે. તેમજ શહેરમાં અત્યાર સુધીમા મોસમનો કુલ 7.28 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરોમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી
શહેરના મણિનગરમાં સૌથી વધુ અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો
અમદાવાદમાં ચોમાસું જામી રહ્યું છે અને મેઘરાજા શહેરને ઘમરોળી રહ્યા છે. મંગળવારે બે ઈંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અને તેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. શહેરના મણિનગરમાં સૌથી વધુ અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને નોકરી ધંધેથી ઘરે જનાર વાહનચાલકો અટવાયા હતા. શહેરમાં 72 સ્થળે પાણી ભરાયા હોવાની AMCને ફરિયાદો મળી છે. ચોમાસાના પ્રારંભે જ AMCનો પ્રી-મોન્સુન એક્શન પ્લાન ધોવાઈ ગયો છે. મંગળવારે બપોર પછી શહેરના પૂર્વ પટ્ટામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને બાપુનગર, સરસપુર, ઈન્ડિયા કોલોની, ગોમતીપુર, નરોડા, વસ્ત્રાલ, ઓઢવ, નિકોલ, વગેરે વિસ્તારોમાં ઠેર ઠેર રોડ પર પાણી વહેતા થયા હતા. જ્યારે શહેરના પશ્ચિમ પટ્ટામાં દિવસભર ઉઘાડ નીકળ્યા પછી સાંજે પાંચ વાગ્યા પછી આકાશમાં અચાનક કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને ધોધમાર વરસાદ તૂટી પડયો હતો અને આશ્રમરોડ, નવરંગપુરા, નારણપુરા, મેમનગર, ગોતા, બોપલ, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, એસ. જી. હાઈવે, શહેરના નીચાણવાળા વિસ્તારો, રોડ સાઈડ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરમાં સતત ત્રણ દિવસથી બપોર પછી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.
શહેરના વસ્ત્રાલમાં વિનાયક પાર્ક નજીક ભૂવો પડયો
મેઘરાજાએ બપોર પછી પૂર્વ પટ્ટામાં ધમાકેદાર એન્ટ્રી કરવાને પગલે ઓઢવમાં 48.50 મિ.મિ. ચકુડિયામાં 41.00 મિ.મિ., વિરાટનગરમાં 49.50 મિ.મિ., કઠવાડામાં 46.00 મિ.મિ., નરોડામાં 36.00 મિ.મિ., મેમ્કોમાં 25.50 મિ.મિ., વટવામાં 43.50 મિ.મિ., વરસાદ નોંધાયો હતો. શહેરના ઓઢવ, વટવા, અસારવા, રામોલ, કોતરપુર, સરદારનગર, કુબેરનગર, નિકોલ, વસ્ત્રાલ, વગેરે સહિત પૂર્વ પટ્ટાના વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં ભુવા પડવાની 4 અને રોડ સેટલમેન્ટની 6, ઝાડ પડવાની 3, અને ભયજનક મકાનની 1 ફરિયાદ નોંધાઈ હતી. શહેરમાં અત્યાર સુધીમા મોસમનો કુલ 7.28 ઈંચ વરસાદ નોંધાયો છે. વાસણા બેરેજના 4 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે અને વાસણા બેરેજમાં પાણીનું લેવલ 129.25 ફુટ છે. શહેરના વસ્ત્રાલમાં વિનાયક પાર્ક નજીક ભૂવો પડયો છે. વાડજ વિસ્તારમાં આવેલા દધીચિ બ્રિજ નીચે તેમજ દૂધેશ્વર વોટર વર્ક્સ તરફ જવાના રોડ પરની સ્ટ્રીટ લાઈટો બંધ પડી છે.