દેશમાં આજથી 3 નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા, જાણો દેશદ્રોહથી મોબ લિંચિંગ સુધી શું બદલાયું
- ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ-1872ના સ્થાને ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ-2023
નવી દિલ્હી, 1 જુલાઇ: દેશભરમાં આજે સોમવારથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે, જેમાં ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક ફેરફારો લાવી અને સંસ્થાનવાદી યુગના કાયદાનો અંત થઈ જશે . ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય (પુરાવા) અધિનિયમ,2023 અનુક્રમે બ્રિટિશ સમયના ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ(1872)નું સ્થાન લેશે. નવા કાયદાઓથી એકઆધુનિક ન્યાય પ્રણાલી સ્થાપિત થશે, જેમાં ‘ઝીરો FIR’, પોલીસમાં ફરિયાદ ઓનલાઈન નોંધાવી, ‘SMS’ (મોબાઈલ ફોન સંદેસ) દ્વારા સમન્સ મોકલવા જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમ અને તમામ જઘન્ય ગુનાઓના ઘટના સ્થળે ફરજિયાત વીડિયોગ્રાફી જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે.
અહેવાલોમાં સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, આ કાયદાઓમાં થોડીક વર્તમાન સામાજિક વાસ્તવિકતાઓ અને ગુનાઓને પતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને બંધારણમાં સમાવિષ્ટ આદર્શોને ધ્યાનમાં રાખીને અસરકારક રીતે પતાવવાની એક પદ્ધતિ પ્રદાન કરી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે,નવા કાયદા ન્યાય પ્રદાન કરવાને પ્રાથમિકતા આપશે જ્યારે અંગ્રેજો (દેશ પર બ્રિટિશ શાસન દરમિયાન)ના કાયદામાં શિક્ષાત્મક કાર્યવાહીને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
New criminal laws are citizen-centric. Now FIR can be registered from anywhere at any time.#AzadBharatKeApneKanoon pic.twitter.com/bHrXM5qhc1
— PIB India (@PIB_India) June 29, 2024
કેસ પૂરો થયાના 45 દિવસમાં નિર્ણય
અમિત શાહે કહ્યું હતું કે, “આ કાયદાઓ ભારતીયો દ્વારા, ભારતીયો માટે અને ભારતીય સંસદ દ્વારા બનાવવામાં આવ્યા છે અને તેઓ વસાહતી યુગના ન્યાયિક કાયદાઓને સમાપ્ત કરે છે, નવા કાયદા હેઠળ, 45 દિવસની અંદર ફોજદારી કેસોમાં ચુકાદો આપવામાં આવશે, ટ્રાયલ આવશે અને પ્રથમ સુનાવણીના 60 દિવસમાં આરોપ નક્કી કરવામાં આવશે. દુષ્કર્મ પીડિતાનું નિવેદન મહિલા પોલીસ અધિકારી દ્વારા તેના વાલી અથવા સંબંધીની હાજરીમાં નોંધવામાં આવશે અને તેનો મેડિકલ રિપોર્ટ સાત દિવસમાં રજૂ કરવાનો રહેશે.
#WATCH | Delhi: Posters about the new criminal laws put up outside Tughlak Road PS to create awareness among the people. (30/06)
New criminal laws will come into force across India from 1st July pic.twitter.com/7e3sfNcRNu
— ANI (@ANI) June 30, 2024
રાજદ્રોહને બદલે દેશદ્રોહ
નવા કાયદાઓ સંગઠિત અપરાધ અને આતંકવાદના કૃત્યોને વ્યાખ્યાયિત કરે છે, દેશદ્રોહને રાજદ્રોહથી બદલે છે અને તમામ સર્ચ અને જપ્તી કામગીરીની વીડિયોગ્રાફી ફરજિયાત બનાવે છે. મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ પર એક નવો અધ્યાય ઉમેરવામાં આવ્યો છે, બાળકની ખરીદ-વેચાણને જઘન્ય અપરાધ બનાવવામાં આવ્યો છે અને સગીર સાથે સામૂહિક દુષ્કર્મ માટે મૃત્યુદંડ અથવા આજીવન કેદની જોગવાઈ ઉમેરવામાં આવી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ‘ઓવરલેપ’ જોગવાઈઓને મર્જ કરીને સરળ બનાવવામાં આવી છે અને ભારતીય દંડ સંહિતામાં 511 કલમોની સામે માત્ર 358 કલમો હશે.
મોબ લિંચિંગ માટે પણ જોગવાઈ
સૂત્રોએ જણાવ્યું હતું કે, લગ્નના ખોટા વચન, સગીર સાથે દુષ્કર્મ, ટોળા દ્વારા માર મારીને હત્યા (લિંચિંગ), સ્નેચિંગ વગેરે જેવા કેસ નોંધાયેલા છે પરંતુ આવી ઘટનાઓનો સામનો કરવા માટે વર્તમાન ભારતીય દંડ સંહિતામાં કોઈ ચોક્કસ જોગવાઈઓ નથી. તેમણે કહ્યું કે, તેમની સાથે વ્યવહાર કરવા માટે ભારતીય ન્યાય સંહિતામાં જોગવાઈઓ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે, આ ત્રણેય કાયદા ન્યાય, પારદર્શિતા અને નિષ્પક્ષતા પર આધારિત છે. નવા કાયદા હેઠળ હવે કોઈપણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ગયા વગર ઈલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન દ્વારા ઘટનાની રિપોર્ટ નોંધાવી શકશે. જેનાથી કેસ નોંધવાનું સરળ-ઝડપી બનશે અને પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી શકાશે.
FIR ગમે ત્યાં દાખલ કરી શકાય છે
‘ઝીરો FIR’ સાથે કોઈપણ વ્યક્તિ હવે કોઈપણ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી શકે છે, ભલે ગુનો તેના અધિકારક્ષેત્રમાં ન બન્યો હોય. જેનાથી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં વિલંબ દૂર થશે અને તરત જ કેસ નોંધી શકાશે. નવા કાયદામાં એક રસપ્રદ પાસું ઉમેરાયું છે કે, ધરપકડના કિસ્સામાં, વ્યક્તિને તેની સ્થિતિ વિશે તેની પસંદગીની કોઈપણ વ્યક્તિને જાણ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ સાથે, ધરપકડ કરાયેલ વ્યક્તિને તાત્કાલિક સહયોગ મળી શકશે. વધુમાં, ધરપકડની વિગતો પોલીસ સ્ટેશનો અને જિલ્લા મુખ્યાલયોમાં સ્પષ્ટપણે પ્રદર્શિત કરવામાં આવશે જેથી ધરપકડ કરાયેલ વ્યક્તિના કુટુંબીજનો અને મિત્રો મહત્ત્વપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકે.
પીડિત મહિલાઓ અને બાળકો માટે મફત સારવાર
નવા કાયદામાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓની તપાસને પ્રાથમિકતા આપવામાં આવી છે જેથી કેસ નોંધાયાના બે મહિનામાં તપાસ પૂર્ણ કરવામાં આવશે. નવા કાયદા હેઠળ, પીડિતોને 90 દિવસની અંદર તેમના કેસની પ્રગતિ વિશે નિયમિતપણે અપડેટ કરવાનો અધિકાર હશે. નવા કાયદા હેઠળ, મહિલાઓ અને બાળકો સામેના ગુનાનો ભોગ બનેલી મહિલાઓને તમામ હોસ્પિટલમાં મફત પ્રાથમિક ઉપચાર અથવા સારવાર આપવામાં આવશે. આ જોગવાઈ એ સુનિશ્ચિત કરે છે કે, પીડિતને તાત્કાલિક જરૂરી તબીબી સંભાળ મળે. આરોપી અને પીડિતા બંનેને હવે 14 દિવસમાં FIR, પોલીસ રિપોર્ટ, ચાર્જશીટ, નિવેદન, કબૂલાત અને અન્ય દસ્તાવેજો મેળવવાનો અધિકાર રહેશે. સમયસર ન્યાય આપવા અને કેસની સુનાવણીમાં બિનજરૂરી વિલંબ ટાળવા માટે અદાલતો કેસની સુનાવણી વધુમાં વધુ બે વખત મુલતવી રાખી શકે છે.
વૃદ્ધો માટે ઘર આધારિત પોલીસ સુવિધા
નવા કાયદાઓ તમામ રાજ્ય સરકારો માટે સાક્ષીઓની સુરક્ષા અને સહકાર સુનિશ્ચિત કરવા અને કાનૂની પ્રક્રિયાની વિશ્વસનીયતા અને અસરકારકતા વધારવા માટે સાક્ષી સુરક્ષા યોજના લાગુ કરવાનું ફરજિયાત બનાવે છે. હવે ‘લિંગ’ ની વ્યાખ્યામાં ટ્રાન્સજેન્ડરનો પણ સમાવેશ થાય છે, જેનાથી સમાવેશીતા અને સમાનતાને પ્રોત્સાહન મળે છે. પીડિતાને વધુ સુરક્ષા આપવા અને દુષ્કર્મના કોઈપણ ગુનાના સંબંધમાં તપાસમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા પીડિતાનું નિવેદન પોલીસ દ્વારા ઓડિયો-વીડિયો માધ્યમ દ્વારા નોંધવામાં આવશે. મહિલાઓ, પંદર વર્ષથી ઓછી ઉંમરના લોકો, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને વિકલાંગ અથવા ગંભીર બીમારીથી પીડાતા લોકોને પોલીસ સ્ટેશનમાં આવવામાંથી મુક્તિ આપવામાં આવશે અને તેમના રહેઠાણના સ્થળે પોલીસ સહાય મેળવી શકશે.
આ પણ જુઓ: મધ્યપ્રદેશમાં નવા ફોજદારી કાયદા હેઠળ નોંધાયો પહેલો કેસ, જાણો સમગ્ર મામલો