પુરુષો દરેક દર્દ ભૂલી શકે છે, પરંતુ 19 નવેમ્બર તો… શિખર ધવને આવી પોસ્ટ કેમ લખી?
મુંબઈ, 21 જૂન: ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલને ઘણો સમય વીતી ગયો છે. પરંતુ ફાઈનલ હારવાનું દર્દ હજુ પણ પુરુ થવાનું નામ નથી લઈ રહ્યું. હવે ભારતીય ઓપનર શિખર ધવને તેની X પરની એક પોસ્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. શિખરે X પર પોસ્ટ કરતા લખ્યું છે કે માણસ કોઈપણ દર્દને ભૂલી શકે છે, પરંતુ 19 નવેમ્બરે જે દર્દ તેણે અનુભવ્યું હતું તેને ભૂલી જવું અશક્ય છે. નોંધનીય છે કે તાજેતરમાં જ રોહિત શર્માએ પણ કહ્યું હતું કે, તેને ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં હારનો અફસોસ છે.
શિખર ધવને બિલબોર્ડ કર્યું શેર
Men can get over anything, but not 19th November pic.twitter.com/KZRTsx8doe
— Shikhar Dhawan (@SDhawan25) June 21, 2024
શિખર ધવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ લખી છે. આમાં તેણે એક બિલબોર્ડ પણ શેર કર્યું છે. આ બિલબોર્ડ પર લખ્યું છે, ‘વૈશાલી, આઈ એમ ઓવર યુ. નોટ યોર્સ, ખન્ના.’ આ બિલબોર્ડ દ્વારા કોઈ ખન્નાએ વૈશાલીને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. બોર્ડ દ્વારા તેણે કહ્યું છે કે તે હવે વૈશાલીને ભૂલી ગયો છે. શિખરે બિલબોર્ડ સાથેની પોતાની પોસ્ટમાં લખ્યું છે કે પુરુષો તમામ દર્દ ભૂલી શકે છે, પરંતુ 19 નવેમ્બરના દર્દને ભૂલી શકતા નથી.
શું થયું હતું 19મી નવેમ્બરે?
ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચ 19 નવેમ્બર 2023ના રોજ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતની સામે હતી. ભારતે બેટિંગ અને બોલિંગ બંનેમાં ખૂબ જ સારી શરૂઆત કરી હતી. પરંતુ મોટી ભાગીદારીના અભાવે ભારત 50 ઓવરમાં માત્ર 240 રન જ બનાવી શક્યું હતું. પાછળથી ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રન અને માર્નસ લાબુશેને 110 બોલમાં અણનમ 58 રનના કારણે ઓસ્ટ્રેલિયાએ માત્ર 43 ઓવરમાં જ જીત મેળવી હતી અને છઠ્ઠું ODI વર્લ્ડ કપ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. રોહિત શર્મા હજુ 19 નવેમ્બરે મળેલી હારથી દુખી છે. તેમણે થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે ફાઈનલ મેચ બાદ ઘણા દિવસો સુધી તે એકદમ બેચેન રહ્યો હતો.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 પોઈન્ટ ટેબલમાં ભારત કે ઓસ્ટ્રેલિયા કોણ આગળ?