વડોદરામાં મહારાજ ફિલ્મના વિરોધમાં વૈષ્ણવોની રેલી, પ્રતિબંધ મૂકવાની માગ
વડોદરા, 20 જૂન 2024, બોલિવૂડ એક્ટર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ‘મહારાજ’ ફિલ્મ પર લાગેલા સ્ટેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી છે. જજ સંગીતા વિશેનની બેંચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. ગઈકાલે ચાલેલી સુનાવણી દરમિયાન બંને પક્ષકાર દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં વૈષ્ણવો દ્વારા આજે વિશાળ બાઈક અને કાર રેલી કાઢીને મહારાજ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા.વડોદરાના કીર્તિ સ્તંભથી નિકળેલી રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને કલેક્ટરને રજૂઆત કરીને મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી.
આ ફિલ્મનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ
વડોદરા શહેરમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા મહારાજ ફિલ્મના વિરોધમાં વિશાળ રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં રેલીમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો, વડોદરાના સાંસદ હેમાંગ જોષી અને ધારાસભ્ય કેયુર રોકડિયા પણ હાજર રહ્યા હતા. ધારાસભ્ય કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, મહારાજ ફિલ્મમાં સનાતન હિંદુ ધર્મના દેવી-દેવતાઓ અને ગુરુઓને અપમાનિત કરવામાં આવ્યા છે અને એમના વિરુદ્ધ ખોટી રીતે ચારિત્રણ કરવામાં આવ્યું છે. ખોટી ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે ત્યારે આ ફિલ્મનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ.
ફિલ્મ રિલીઝ થશે તો ઉપવાસ આંદોલન પણ ઉતારી જઈશું
વડોદરા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના મહિલા વિંગના પ્રમુખ રશ્મિબેન શાહે જણાવ્યું હતું કે, આપણા હિન્દુ ધર્મની ગરીમા ઉપર આંચ આવતી હોય ત્યારે આપણી સૌની ફરજ છે કે આપણે એ થતું રોકવું જોઈએ. મહારાજ ફિલ્મમાં અભદ્ર દૃશ્યો બતાવવામાં આવ્યા છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે, કોઈપણ હિસાબે આ ફિલ્મને રિલીઝ ન થવા દેવી જોઈએ. આ ફિલ્મ રિલીઝ થશે તો આપણા બાળકો અને સમાજ ઉપર તેની ખરાબ અસર થશે અને એવું દેખાશે કે આપણો સમાજ નપુસંક છે જે એને રોકી નથી શકતો. આ ફિલ્મ રિલીઝ થશે તો અમે ઉપવાસ આંદોલન પણ ઉતારી જઈશું.વૈષ્ણવ સંપ્રદાયના અગ્રણી હરીશ શાહે જણાવ્યું હતું કે, સૌરભ શાહની નવલકથા છે તે નવલકથાના આધાર ઉપર કોઈ ફિલ્મ જોવા બનતી હોય તો એ માત્ર કલ્પના શક્તિ છે. શુદ્ધાત્મક બ્રહ્મવાદને એમાં કંઈ લાગતું વળગતું નથી.
આ પણ વાંચોઃવડોદરામાં ગણેશોત્સવને લઈ નિયમોમાં ફેરફાર કરાયો, જાણો કયા છૂટછાટ અપાઇ