અમદાવાદગુજરાત

અમદાવાદમાંથી કિડનેપ થયેલી સગીરાને ક્રાઈમ બ્રાંચે શોધી કાઢી, આરોપીની ધરપકડ

અમદાવાદ, 17 જૂન 2024, શહેરમાં અપહરણના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે અપહરણ કરવામાં આવેલી 12 વર્ષની સગીરાને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શોધી કાઢી છે. સગીરાને નજીકમાં રહેતો યુવક સાથે લઈ ગયો હતો.પરિવાર એક વર્ષ સુધી સગીરાને શોધતો રહ્યો પણ તે મળી નહોતી. આખરે ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ પાસેના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાંથી સગીરાને શોધી લીધી છે. એક વર્ષ સુધી યુવક સગીરાને પીંખતો રહ્યો હતો. હાલમાં સગીરાની મેડિકલ સારવાર કરવામાં આવી રહી છે.આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

અલગ અલગ એજન્સી પિન્કીને શોધવા માટે પ્રયાસ કરી રહી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રહેતી 12 વર્ષની પિન્કી (નામ બદલ્યું છે) ઘરની બહાર રમી રહી હતી. ત્યારે પાડોશમાં રહેતો 22 વર્ષનો એક યુવક અંકુર શર્મા 2023ના વર્ષમાં પિન્કીને કોઈ વાતમાં ફસાવીને તેની સાથે લઈ ગયો હતો. ઘર પાસેથી જ ગાયબ થયેલી પિન્કીને શોધવા પરિવારજનો અને પોલીસે રાત દિવસ એક કરી દીધા હતા પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.તેને શોધવા માટે તેના પરિવારે હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ એપ્લિકેશન કરી હતી.સ્થાનિક પોલીસ અને અલગ અલગ એજન્સી પિન્કીને શોધવા માટે પ્રયાસ કરી રહી હતી.

પિન્કીએ જે જણાવ્યું હતું તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ
પોલીસે અમદાવાદ તેના વતન અને આસપાસમાં અનેક જગ્યાએ સીસીટીવી ચેક કર્યા હતા. પરંતુ તેની કોઈ કડી મળી નહોતી.અમદાવાદ ક્રાઈમ બ્રાંચને એક કડી મળી હતી.ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીના જણાવ્યા અનુસાર પિન્કી ભરૂચ પાસેના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં એક ઓરડીમાં બંધ છે તેવી ખબર પડી હતી.પોલીસની ટીમ સાદા વેશમાં ત્યાં ગોઠવાઈ હતી અને બહારથી જે ઓરડી પર તાળું માર્યું હતું. ત્યાં જઈને તપાસ કરતાં પિન્કી મળી હતી. તેના કપડાં ફાટેલા હતા. પોલીસે પુછપરછ કરતાં પિન્કીએ જે જણાવ્યું હતું તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ હતી.

ક્રાઈમ બ્રાંચની ટીમ આરોપીને પકડીને અમદાવાદ લઈ આવી
પિન્કીએ પોલીસને જણાવ્યું હતું કે, અંકુરે તેને અહીં લાવીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. સવારે તે પોતાના કામે જતો, ત્યારે બહારથી તાળું મારી દેતો હતો અને સાંજે ઘણી વખત આવતો હતો અને તેની સાથે અનૈતિક કામ કરતો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમ આરોપીને પકડીને અમદાવાદ લઈ આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર કેસમાં પિન્કીને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે. જ્યારે બાળકીએ કરેલી વાતને પણ ગંભીરતાથી લઈને પોલીસે વધુ તપાસ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને હવે આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં PGમાં રહેતા યુવકનું મોત, રાત્રે સુઈ ગયા બાદ સવારે ઉઠ્યો જ નહીં

Back to top button