ટ્રેન ટુ કાશ્મીર: વિશ્વનો સૌથી ઊંચો ચેનાબ રેલ બ્રિજ તૈયાર, ટ્રેનની સફળ ટ્રાયલ રન થઈ
- સાંગલદાન-રિયાસી જતો આ રેલવે બ્રિજ એફિલ ટાવરથી પણ ઊંચો, 30મીએ પ્રથમ ટ્રેન
જમ્મુ-કાશ્મીર, 17 જૂન: કાશ્મીર ખીણમાં ટ્રેન દ્વારા પહોંચવાનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. રવિવારે સાંગલદાન અને રિયાસી વચ્ચે ટ્રેનની ટ્રાયલ રન કરવામાં આવી હતી. પ્રથમ વખત, કોઈ ટ્રેન ચેનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ દ્વારા રિયાસી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, આ પુલની ઉંચાઈ 359 મીટર છે, જે એફિલ ટાવર કરતા પણ 35 મીટર વધારે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર 21મી જૂને શ્રીનગર પહોંચવાના છે. આ પહેલા જ રેલવેએ આ મોટી સફળતા પ્રાપ્ત કરી છે.
View this post on Instagram
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ સફળતા વિશે આપી માહિતી
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ સફળતા વિશે માહિતી આપી હતી. પોસ્ટમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે લખ્યું કે, ‘પ્રથમ ટ્રાયલ ટ્રેન સાંગલદાનથી રિયાસી સુધી દોડી છે. આ ટ્રેન ચેનાબ બ્રિજ પાર કરીને રિયાસી પહોંચી હતી. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ હેઠળનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે ટનલ નંબર 1 પર થોડું જ કામ બાકી છે.’ રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મહિનાના અંતમાં સાંગલદાન-રિયાસી સેક્શનમાં બે દિવસ તપાસ કરવામાં આવશે.
1st trial train between Sangaldan to Reasi. pic.twitter.com/nPozXzz8HM
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 16, 2024
વિશ્વનો સૌથી ઊંચો ચેનાબ રેલવે બ્રિજ
ઉલ્લેખનીય છે કે, યુએસબીઆરએલ પ્રોજેક્ટની કુલ લંબાઈ 272 કિલોમીટર છે, જેમાંથી 209 કિલોમીટર ચાલુ થઈ ગઈ છે. હાલમાં કન્યાકુમારીથી કટરા સુધી ટ્રેનો દોડે છે. બારામુલાથી સાંગલદાન સુધી ટ્રેનો પણ દોડવા લાગી છે. યુએસબીઆરએલ પ્રોજેક્ટના બનિહાલથી સાંગલદાન સેક્શનના 48.1 કિલોમીટરના સેક્શનનું 20 ફેબ્રુઆરીએ પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ચેનાબ રેલવે બ્રિજ તેના માર્ગ પર આવે છે, જે વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રિજ છે. આ પુલ સ્ટીલની કમાનથી બનેલો છે. આ પુલ 1.3 કિલોમીટર લાંબો છે. આ રૂટ પર ઈલેક્ટ્રિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ રૂટ પર 30 જૂને ટ્રેનો ચાલી શકશે. ઉધમપુરના સાંસદ અને ભાજપના મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, આ પુલ પર ટૂંક સમયમાં રેલ સેવા શરૂ થશે. આ રેલ લિંક પ્રોજેક્ટનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.
આ પણ જુઓ: પશ્ચિમ બંગાળમાં મોટી ટ્રેન દુર્ઘટનાઃ કંચનજંગા એક્સપ્રેસ સાથે માલગાડી ટ્રેનની ટક્કર, 4ના મૃત્યુ