અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદના થલતેજમાં સગીર કાર ચાલકે કિશોરીને અડફેટે લીધી, હોસ્પિટલમાં દાખલ

Text To Speech
  • પુરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનરે કિશોરીને લીધી અડફેટે
  • ટક્કર લાગતા કિશોરીને માથામાં થઈ ભારે ઈજા, હોસ્પિટલમાં કરવામાં આવી દાખલ
  • પોલીસે આરોપીની કરી અટકાયત

અમદાવાદ, 02 જૂન: અમદાવાદના એસજી હાઈવે પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માતને લોકો હજુ ભુલ્યા પણ નથી ત્યાં ફરી એક સગીરે અમદાવાદના થલતેજ વિસ્તારમાં અકસ્માત સર્જ્યો છે. શુક્રવારે સાંજે સગીરે થલતેજ વિસ્તારમાં પુરપાટ ઝડપે કાર ચલાવીને એક 16 વર્ષીય કિશોરીને અડફેટે લીધી હતી. ફોર્ચ્યુનર કારની ટક્કર લાગતા કિશોરીને ગંભીર ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ આ કિશોરીની સારવાર ચાલી રહી છે.

ઝડપની મજા લેવામાં કિશોરીને મારી ટક્કર

અમદાવાદના વધુ એક સગીરે ઝડપની મજા લેવામાં 16 વર્ષીય કિશોરીને ફોર્ચ્યુનરની કારથી ટક્કર મારી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવારે સાંજના સમયે શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સાંદીપની સોસાયટી નજીક એક સગીર યુવકે પુરપાટ ઝડપે કાર ચલાવીને 16 વર્ષીય યુવતીને અડફેટે લીધી હતી. આ યુવતી નાસ્તો લેવા જઈ રહી હતી ત્યારે ફોર્ચ્યુનર કારના ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સ્થાનિકોના કહેવા પ્રમાણે અકસ્માત થયો ત્યારે ફોર્ચ્યુનર કાર ખૂબ જ ઝડપે આવી રહી હતી. છોકરીને ટક્કર માર્યા પછી ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર નજીકના એક ખાલી પડેલી જમીનમાં ઘૂસી ગઈ હતી. સ્થાનિક લોકોએ ડ્રાઇવરને ઘેરી લીધો અને પોલીસને બોલાવી હતી.

પોલીસે કરી સગીરની અટકાયત

અકસ્માતમાં સામેલ ફોર્ચ્યુનર કાર ચલાવનાર 17 વર્ષીય છોકરાની પોલીસે અટકાયત કરી છે. ગુજરાત પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ, યુવક દારૂ કે ડ્રગ્સના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ કરતો ન હતો, વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: ગાંધીનગર જિલ્લાનાં ચાર સ્થળોએ કોલેરા ફાટી નીકળતા આરોગ્ય તંત્ર દોડતું થયું

Back to top button