ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારમાં કાળઝાળ ગરમીથી 48 વિદ્યાર્થિનીઓ બેહોશ, સારવાર અર્થે હોસ્પિટલમાં કરી દાખલ

  • દેશભરમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન
  • બિહારના શેખપુરા અને બેગુસરાઈની 48 વિદ્યાર્થિનીઓ કાળઝાળ ગરમીથી થઈ બેહોશ

બિહાર, 29 મે: દેશભરમાં આકરી ગરમી યથાવત છે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન જે 50 ડિગ્રી (49.9 ડિગ્રી) ની નજીક પહોંચી ગયું છે, ગરમીએ છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર પણ આકરી ગરમીની લપેટમાં છે. ઘણા રાજ્યોમાં શાળાઓમાં ઉનાળાની રજાઓ છે પરંતુ બિહારમાં હજુ અભ્યાસ ચાલુ છે. બુધવારે બિહારના બેગુસરાઈ અને શેખપુરામાં લગભગ 48 સ્કૂલની વિદ્યાર્થિનીઓ બેહોશ થઈ ગઈ અને ક્લાસ રૂમમાં પડી ગઈ હતી.

શેખપુરાની શાળામાં ગરમીના કારણે 24 વિદ્યાર્થિનીઓ બેહોશ

શેખપુરાની એક શાળામાં કાળઝાળ ગરમીના કારણે વિદ્યાર્થિનીઓની તબિયત એટલી લથડી કે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી. કાળઝાળ ગરમીને કારણે શેખપુરા જિલ્લાના અરિયારી બ્લોક હેઠળ મનકૌલ અપગ્રેડેડ મિડલ સ્કૂલ સહિત ઘણી શાળાઓમાં વિદ્યાર્થિનીઓ બેહોશ થઈ ગઈ. તીવ્ર ગરમીના કારણે કેટલીક વિદ્યાર્થિનીઓ પ્રાર્થના દરમિયાન અને કેટલીક વર્ગખંડમાં બેહોશ થઈ ગઈ હતી.

વિદ્યાર્થિનીઓ બેભાન થઈ જતાં શિક્ષકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જ્યારે વિદ્યાર્થિનીના પરિવારજનોને આ અંગેની જાણ થતાં તેઓ પણ શાળાએ પહોંચ્યા હતા. બાદમાં વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગરમીને કારણે બેહોશ થયેલા વ્યક્તિને પાણી ન પીવડાવવું જોઈએ, શા માટે આવું કહ્યું આરોગ્ય મંત્રાલયે?

બેગુસરાયની શાળામાં 18 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી

મતિહાની બ્લોકની મતિહાની મિડલ સ્કૂલમાં કાળઝાળ ગરમીને કારણે લગભગ 18 વિદ્યાર્થિનીઓ બેહોશ થઈ ગઈ, જેમને સારવાર માટે મોટીહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તમામ વિદ્યાર્થિનીઓને સારવાર આપવામાં આવી રહી છે. બેગુસરાયમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર છે, આકરી ગરમી છતાં તમામ શાળાઓ ખુલ્લી છે.

મિડલ સ્કૂલ મોટીહાનીમાં અચાનક 10 વાગ્યાની આસપાસ સ્કૂલની વિદ્યાર્થિનીઓ બેભાન થઈ જવા લાગી હતી. આ પછી શાળામાં જ પ્રિન્સિપાલ ચંદ્રકાંત સિંહ દ્વારા પ્રથમ ORS સોલ્યુશન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં બેહોશ થવાની પ્રક્રિયા ચાલુ રહી હતી, ત્યારબાદ તમામ વિદ્યાર્થિનીઓને સારવાર માટે મોટીહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

 

હાલ 14 વિદ્યાર્થિનીઓ મોટીહાની રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શાળાના પ્રિન્સિપાલ ચંદ્રકાંત સિંહે જણાવ્યું કે, ‘ખૂબ જ ગરમી છે, શાળામાં પંખા છે અને વીજળી તેમજ જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં ગરમીના કારણે વિદ્યાર્થિનીઓ બેહોશ થવા લાગી છે. શાળામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ તેમની હાલત વધુ બગડતાં તમામ છોકરીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર કરી રહેલા હોસ્પિટલના તબીબ રાહુલ કુમારે જણાવ્યું કે, યુવતીઓ ગરમીને કારણે બેભાન થઈ ગઈ હતી. હાલમાં બાળકોને ગ્લુકોઝ અને ઓઆરએસ સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે અને તમામની સારવાર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દિલ્હીમાં કાળઝાળ ગરમી વચ્ચે LGનો મોટો નિર્ણય, બપોરે 12થી 3 વાગ્યા સુધી શ્રમિકોને મળશે આરામ

Back to top button