Fact Check: મતદાન પહેલાં દિલ્હીમાં INDI એલાયન્સને લીડની આગાહી કરતા વાયરલ વીડિયોની હકીકત
- ચૂંટણીના મતદાન પહેલા લોકોને ગેરમાર્ગે દોરતાં બે વીડિયો સોશિયલ મીડિયા પર થયા વાયરલ
નવી દિલ્હી, 25 મે: દિલ્હીમાં આજે શનિવારે યોજાયેલી લોકસભાની ચૂંટણીના મતદાન પહેલાથી સોશિયલ મીડિયા પર ન્યૂઝ 24 અને આજતકના બે કથિત વીડિયો વાયરલ થઈ રહ્યા છે, આ વીડિયોમાં INDI એલાયન્સને લીડ મળતી હોવાનો એવો દાવો કરવામાં આવ્યો છે અને INDI એલાયન્સના ઉમેદવાર મહાબલ મિશ્રાને દિલ્હી પશ્ચિમમાંથી લીડ મેળવતા બતાવવામાં આવી રહ્યા છે. હકીકતમાં, આ વીડિયોની તપાસમાં બહાર આવ્યું છે કે, બંને વીડિયો એડિટ કરેલા છે. બંને વીડિયોમાં અલગ AI જનરેટેડ ઓડિયો ઉમેરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આજે 25 મેના રોજ દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ભાજપે તમામ સાત બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ઈન્ડિ એલાયન્સ (I.N.D.I.A.) વતી આમ આદમી પાર્ટીએ ચાર સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે અને કોંગ્રેસે ત્રણ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જો કે હાલમાં તમામ સાત બેઠકો ભાજપ પાસે છે.
ख़ूब वायरल हो रहा मेरा ये वीडियो पूरी तरह से फ़ेक है. मेरे शो ‘राष्ट्र की बात’ से मेरा वीडियो ले कर उसमें AI जनरेटेड मेरी आवाज़ डाली गई है. सारे ग्राफ़िक्स भी झूठे हैं
News24 – Today’s Chanakya ने ऐसा कोई सर्वे रिलीज़ नहीं किया है
अपनी AI से बनी आवाज़ सुन कर मैं भी हैरान हूं,… pic.twitter.com/MBhX0ln3wB
— Manak Gupta (@manakgupta) May 24, 2024
ન્યૂઝ 24ના વીડિયોમાં INDI એલાયન્સ દિલ્હીની 7માંથી 6 બેઠકો પર લીડ હોવાનો અંદાજ
વાયરલ થઈ રહેલા પહેલા વીડિયોમાં ટીવી ચેનલ ન્યૂઝ 24નો લોગો અને તેના એન્કર માનક ગુપ્તા હાજર છે. વીડિયોમાં માનક ગુપ્તા(Manak Gupta) કહેતા સંભળાય છે કે, “આ વખતે દિલ્હીમાં લોકસભા ચૂંટણીમાં INDI ગઠબંધનનો જબરડસ્ત વિજય જોવા મળી રહ્યો છે. ટુડે ચાણક્ય ઓપિનિયન પોલ મુજબ, દિલ્હીની કુલ સાત સીટોમાંથી છ સીટો INDI એલાયન્સને જતી દેખાઈ રહી છે. પશ્ચિમ દિલ્હીથી મહાબલ મિશ્રા ખૂબ જ મજબૂત સ્થિતિમાં હોવાનું જણાય છે. આ સીટ પર 58% વોટ INDI એલાયન્સના મહાબલ મિશ્રાને જતા જોવા મળી રહ્યા છે. જ્યારે 39% વોટ INDI એલાયન્સને અને 2% વોટ અન્યને જતા જણાય છે.
આજતકનો વાયરલ વીડિયો પણ પશ્ચિમ દિલ્હી બેઠક પર INDI એલાયન્સની લીડ દર્શાવે છે
બીજો વીડિયો આજતક ટીવી ચેનલનો છે, જેમાં સુધીર ચૌધરી(Sudhir Chaudhary) એન્કરિંગ કરતા જોવા મળે છે. વીડિયોમાં સુધીર ચૌધરીને કહેતા સાંભળી શકાય છે કે, “પશ્ચિમ દિલ્હી લોકસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહાબલ મિશ્રાએ સર્વેમાં ભાજપના ઉમેદવાર કમલજીત સેહરાવત કરતા ઘણા આગળ છે. મહાબલ મિશ્રાનું વ્યવહાર તેમને તેમના ક્ષેત્રમાં વિજયી બનાવી રહ્યું છે. આ સિવાય સ્ક્રીન પર દેખાડવામાં આવેલા એક્ઝિટ પોલમાં INDI એલાયન્સને પાંચ અને બીજેપીને બે સીટ મળતી હોય તેમ દેખાડવામાં આવ્યું છે.
ફેક્ટ ચેક\વેરિફિકેશન
1. ન્યૂઝ 24ના વીડિયોની તપાસ દરમિયાન, જ્યારે વીડિયોને ધ્યાનથી જોવામાં આવ્યો, ત્યારે એવું જાણવા મળ્યું કે તેને પ્રકાશિત કરવાનો દિવસ શુક્રવાર છે અને સમય 04:59 ની આસપાસનો છે. હવે ન્યૂઝ 24ના એન્કર માનક ગુપ્તાના જુદા જુદા શોના વીડિયોની તપાસ દરમિયાન, ન્યૂઝ 24 ના ફેસબુક પેજ પરથી જાણવા મળ્યું કે, 29 માર્ચે “રાષ્ટ્ર કિ બાત” કાર્યક્રમ લાઇવ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જ્યારે આ પ્રોગ્રામના વીડિયોને વાયરલ વીડિયો સાથે મેચ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે બંને વચ્ચે ઘણી સામ્યતાઓ છે. બંને વીડિયોમાં માનક ગુપ્તાએ એક જ કપડા પહેર્યા છે. આ સિવાય બંને વીડિયોમાં વીડિયો રિલીઝ કરવાનો દિવસ પણ શુક્રવાર જ છે અને સમય ઉપર જમણી બાજુએ 04:59 લખેલ છે. પરંતુ વાસ્તવિક વીડિયોની શરૂઆતમાં, ટેકનિકલ કારણોસર માણક ગુપ્તાનો અવાજ સંભળાતો નથી, પરંતુ જાહેરાત સંભળાય છે. જો કે, આ દરમિયાન માણકના બોલવાના હાવભાવ બંને વીડિયોમાં સમાન છે.
જેથી તપાસમાં એ સ્પષ્ટ થઈ જાય છે કે, વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. હવે એ પ્રશ્ન ઊભો થાય છે કે, શું વાયરલ વીડિયોમાં રહેલો ઓડિયો AIની મદદથી બનાવવામાં આવ્યો છે. જેના જવાબમાં જાણવા મળ્યું કે, 24 મે-2024ના રોજ માનક ગુપ્તા દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટમાં તેણે વાયરલ વીડિયોને નકલી અને ડીપફેક ગણાવ્યો હતો.
2. આજતકના વીડિયોની જ્યારે આ ધ્યાનથી તપાસ કરવામાં આવી, ત્યારે જોવા મળ્યું કે, આજતકનો લોગો પહેલી થોડી સેકન્ડ પછી વીડિયોમાંથી હટાવી દેવામાં આવ્યો છે, જ્યારે સામાન્ય રીતે આજતકના વીડિયોમાં આવું થતું નથી. સંબંધિત કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કર્યા પછી, આજતકની વેબસાઈટ પર એવો કોઈ રિપોર્ટ મળ્યો ન હતો જેમાં ઈન્ડિયા ટુડેએ તેના એક્ઝિટ પોલમાં INDI એલાયન્સને દિલ્હીની કુલ સાત સીટોમાંથી પાંચ સીટો આપી હોય. વાયરલ વીડિયોની કીફ્રેમની રિવર્સ ઈમેજ સર્ચ કરવા પર, 16 મે, 2024ના રોજ આજ તકની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલા એક વીડિયો મળી આવ્યો, જેમાં શરૂઆતની સેકન્ડના વિઝ્યુઅલ લગભગ વાયરલ વીડિયો સાથે મેચ થાય છે. મૂળ વિડિયોમાં, સુધીર ચૌધરી તેમના કાર્યક્રમ બ્લેક એન્ડ વ્હાઇટમાં સ્વાતિ માલિવાલ સાથે 13 મેના રોજ દિલ્હીના મુખ્યમંત્રી ગૃહમાં કથિત રીતે થયેલી હુમલાની ઘટના વિશે વાત કરી રહ્યા હતા. જેના પરથી થોડાક અંસે કહી શકાય છે કે, આ વીડિયો એડિટેડ છે અને આવા એક્ઝિટ પોલ પ્રકાશિત થયા નથી.
આ પણ જુઓ: ગાંધી પરિવારે પહેલીવાર કોંગ્રેસને વોટ ન આપ્યો, શું છે કારણ?