23 મે, અમદાવાદ: RCBનું નસીબ તેનાથી ફરીથી બે વ્હેંત છેટું રહી ગયું છે. આ વર્ષે પણ હવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL ટ્રોફી નહીં જીતી શકે. જોકે આ માટે તેણે પોતાને જ દોષ આપવો રહ્યો કારણકે જે રીતે આ પ્રકારની નોકઆઉટ મેચો રમવાની હોય તે રીતે તે રમી શક્યું ન હતું. આવું આ ટીમ સાથે કાયમ થતું હોય છે કે પ્રેશર મેચમાં RCBના ખેલાડી દબાણમાં આવી જતા હોય છે અને મેચ હારી બેસતા હોય છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ્યાં બીજી ઈનિંગમાં મોટેભાગે ડ્યુ પડતી હોય છે ત્યાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલી બોલિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. RRની બોલિંગ એકદમ સટીક રહી હતી અને વિરાટ કોહલી, ફાફ દુ પ્લેસી તેમજ કેમરન ગ્રીન જેવા ખેલાડીઓને તેણે બાંધી રાખ્યા હતા. કદાચ આ કારણોસર જ RCBને ફાસ્ટ શરૂઆત મળી શકી ન હતી.
છેવટે રજત પાટીદાર જેણે આ સિઝનમાં RCBને ઘણીવાર તકલીફમાંથી બહાર કાઢ્યું છે તેણે ફરીથી હાથ ખોલીને બેટિંગ કરી હતી. પાટીદાર સિવાય મહીપાલ લોમરોર જ કોઈ અસર છોડી શક્યો હતો. ગ્લેન મેક્સવેલ ફરીથી નિષ્ફળ ગયો હતો જેને કારણે RCBની બેટિંગ લાઈનઅપ પર દબાણ વધી ગયું હતું.
વચ્ચે વચ્ચે સતત વિકેટો ગુમાવવાના કારણે RCB અંતિમ ઓવરોમાં જરૂરી ફટકાબાજી કરી શક્યું ન હતું અને 20 ઓવર્સમાં 172 રન્સ કરી શક્યું હતું જે આ પીચ પર અને આ સ્ટેડિયમની પ્લેયિંગ કંડીશન અનુસાર કદાચ 15 થી 20 રન્સ ઓછા હતા.
રાજસ્થાન રોયલ્સે સંભાળીને શરૂઆત કરી હતી અને યશસ્વી જયસ્વાલ તેમજ ટોમ કોહલર-કોડમોરે કેટલાક આકર્ષક શોટ્સ માર્યા હતા. એક સમયે રાજસ્થાન આ મેચ આરામથી જીતી જશે તેવું લાગી રહ્યું હતું પરંતુ ‘બિગ મેચનું દબાણ’ તેમના બેટ્સમેનો ઉપર પણ છવાઈ ગયું હતું અને તેને કારણે કેપ્ટન સંજુ સેમસન અને શેમરોન હેટમાયર જેવા અનુભવી બેટ્સમેનોએ વણજોઈતા શોટ્સ રમ્યા હતા અને ધ્રુવ જુરેલ બિનજરૂરી રીતે રન આઉટ થઇ ગયો હતો.
પરંતુ છેવટે રોવમેન પોવેલે જરૂરી રન્સ તુરંત બનાવી લીધા હતા અને પોતાની ટીમને શુક્રવારે રમાનારા બીજા ક્વોલિફાયર માટે ક્વોલીફાય કરી દીધી હતી.
RCBનું નસીબ આ વખતે પણ ચમકી શક્યું ન હતું. પહેલી મેચથી જ તેની બોલિંગ નબળી રહી હતી. પરંતુ છેલ્લી 6 મેચો સતત જીતવાને કારણે આ નબળાઈ છુપાઈ ગઈ હતી. છેવટે આ નબળાઈ આ એલિમીનેટરમાં છતી થઇ ગઈ હતી અને જેનો ભોગ ટીમને બનવું પડ્યું હતું.
RCBના દિનેશ કાર્તિકે આ મેચ સાથે પોતાની છેલ્લી IPL મેચ રમી હતી.