IPL-2024ગુજરાતટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

વિરાટના જીવને ખતરો છે? શું RCBએ કાલે એટલે પ્રેક્ટીસ રદ્દ કરી?

22 મે, અમદાવાદ: અમદાવાદમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL 2024 Playoffsની એલિમિનેટર મેચ રમાશે. પરંતુ આ મેચ પહેલાં એક એવા સમાચાર આવ્યા છે જેમણે તમામના જીવ ઊંચા કરી દીધા છે. કોલકાતા સ્થિત એક અખબારે દાવો કર્યો છે કે વિરાટના જીવને ખતરો છે અને આથી ગઈકાલે RCBએ પોતાનું પ્રેક્ટીસ સેશન રદ્દ કરી દીધું હતું.

આ દાવા અનુસાર અખબારને ગુજરાત પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે ગુજરાત પોલીસે આ સોમવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ ચારેયને પકડ્યા બાદ તેમના ઠેકાણાઓની તપાસ કરી હતી જ્યાંથી તેમને હથિયાર, સંદિગ્ધ વિડીયો અને ટેક્સ્ટ મેસેજ મળી આવ્યા હતા.

જો આ રિપોર્ટનું માનવામાં આવે તો આ જ કારણ હતું કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે સાંજે તેનું પ્રેક્ટીસ સેશન રદ્દ કર્યું હતું. આજની મેચની તૈયારી માટે અમદાવાદના ગુજરાત કોલેજના મેદાન પર RCB માટે એક ખાસ પ્રેક્ટીસ સેશન ગોઠવવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં RCB મેનેજમેન્ટ દ્વારા કોઇપણ આધિકારિક કારણ આપ્યા વગર આ સેશનને રદ્દ કરવામાં આવ્યું હતું.

બીજી તરફ રાજસ્થાન રોયલ્સને જે સ્થાન પર પ્રેક્ટીસ માટે જગ્યા આપવામાં આવી હતી ત્યાં જ તેમણે શાંતિથી પોતાની પ્રેક્ટીસ પૂર્ણ કરી હતી.

ચોંકાવનારી વાત એ હતી કે નિયમ અને પરંપરા અનુસાર IPLની કોઇપણ મેચ અગાઉ સ્ટેડિયમ પર પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવતી હોય છે, પરંતુ ગઈકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોઇપણ પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી ન હતી.

એવું જાણવામાં આવી રહ્યું છે કે પેલા ચાર આતંકવાદીઓને પકડ્યા બાદ મળેલા ઇનપુટસથી એ વાત સામે આવી હતી કે વિરાટના જીવને ખતરો હોઈ શકે છે. આથી જ સુરક્ષાના કારણોસર પહેલાં RCBની પ્રેક્ટીસ અને બાદમાં સ્ટેડિયમ ખાતે મેચ પ્રેક્ટીસ બંને રદ્દ કરી દેવામાં આવ્યા હતા.

અખબારનું કહેવું છે કે ગુજરાત પોલીસે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ  બેંગલુરુ બંને સાથે પોતાની પાસે રહેલી માહિતી શેર કરી હતી. એક તરફ રાજસ્થાન રોયલ્સે પોતાનું પ્રેક્ટીસ સેશન ચાલુ રાખ્યું હતું તો RCBએ કોઇપણ કારણ આપ્યા વગર તેને રદ્દ કરી દીધું હતું.

એક પ્રશ્ન એવો પણ ઉભો થઇ રહ્યો છે કે RCBની ટીમ રવિવારે અમદાવાદ આવી પહોંચી હતી એટલે તેની પાસે  આરામ કરવાના બે દિવસ હતા, આવામાં પ્રેક્ટીસ સેશન રદ્દ કરીને વધુ આરામ કરવાનું કોઈ કારણ સમજી શકાતું નથી

Back to top button