22 મે, અમદાવાદ: IPL 2024 હવે પ્લેઓફ્સના સ્ટેજમાં પહોંચી ગઈ છે. ગઈકાલે પહેલી ક્વોલિફાયર મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સન રાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ પણ ગઈ. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે એલિમિનેટર રમાશે. પરંતુ આ મેચ અગાઉ જ ભારતના દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આગાહી કરી દીધી છે કે કઈ ટીમ આ વર્ષની IPL જીતશે.
ગઈકાલની કોલકાતા અને હૈદરાબાદ વચ્ચેની મેચ શરુ થતા અગાઉ મેચનું ટેલીકાસ્ટ કરી રહેલી ટીમ સાથે સુનીલ ગાવસ્કર ચર્ચા કરી રહ્યા હતા. ગાવસ્કરના મંતવ્ય અનુસાર KKR, SRH, RR અને RCBમાંથી RCB એવી ટીમ છે જે આ વર્ષની IPL જીતશે. અત્રે એ નોંધવું જરૂરી છે કે સુનીલ ગાવસ્કરે આગાહી તો કરી દીધી છે પરંતુ આ આગાહી સાચી પાડવા માટે RCBએ આજે પહેલાં રાજસ્થાન રોયલ્સને હરાવવું પડશે.
ત્યારબાદ શુક્રવારે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ એટલેકે ચેપોકમાં રમાનારી બીજી ક્વોલિફાયરમાં સન રાઈઝર્સ હૈદરબાદને હરાવવું પડશે. જો આ બંને મેચ તે જીતશે તો તેનો સામનો ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે અને તેમાં તેણે જીત મેળવવી પડશે.
પરંતુ IPLનો ઈતિહાસ કશું અલગ જ કહી રહ્યો છે. આ ઈતિહાસ અનુસાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અત્યાર સુધી એક પણ IPL ટ્રોફી જીતી શકી નથી. આ વખતે પણ RCB એક સમયે IPLમાંથી બહાર થવાની અણી ઉપર હતી પરંતુ સળંગ છ મેચ જીતીને IPL Qualifiersમાં પહોંચી છે.
સુનીલ ગાવસ્કરનો તર્ક એવો છે કે સળંગ છ મેચ જીતીને રોયલ ચેલેન્જર્સ અત્યારે ફોર્મમાં છે જ્યારે રાજસ્થાન રોયલ્સ 5 મે પછી એક પણ મેચ જીત્યું નથી. તેની બેટિંગ સતત નિષ્ફળ જઈ જ રહી છે પરંતુ છેલ્લી અમુક મેચમાં રોયલ્સનો ચેમ્પિયન બોલર યુઝવેન્દ્ર ચાહલ પણ પોતાની ધાર બતાવી શક્યો નથી. આમ આ રીતે આજે જો બંને ટીમોના ફોર્મની તુલના કરવામાં આવે તો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાજસ્થાન રોયલ્સ કરતાં બહેતર ટીમ લાગી રહી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સને પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર હરાવીને RCB આ વર્ષના Playoffsમાં ક્વોલીફાય થયું છે, જોકે આ મેચ પત્યા બાદ RCBના ફેન્સે ચેન્નાઈના ફેન્સ સાથે દુર્વ્યવહાર કર્યો હતો.