ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

અમેરિકી સંસદમાં ભારતીય મૂળના લોકોના પ્રતિનિધિત્વ અંગે વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસનું સૂચક નિવેદન

  • મોટી સંખ્યામાં રાજકારણમાં આવો: ઉપપ્રમુખ કમલા હેરિસે ભારતીય મૂળના લોકોને કરી અપીલ 

વોશિંગ્ટન, 16 મે: અમેરિકી સંસદમાં ભારતીય મૂળના લોકોના પ્રતિનિધિત્વ અંગે વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે સૂચક નિવેદન આપ્યું છે. ઉપપ્રમુખ કમલા હેરિસે કહ્યું કે, “અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસ્તીના પ્રમાણમાં ભારતીય મૂળના લોકો રાજકારણમાં ઓછા છે.” કમલા હેરિસે ભારતીય મૂળના લોકોને મોટી સંખ્યામાં રાજકારણમાં આવવાની અપીલ કરી હતી. કમલા હેરિસે ડેમોક્રેટિક થિંક ટેન્ક ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટની વાર્ષિક કોન્ફરન્સ ‘ડિસિઝન્સ ડિસાઈડ’માં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી, જે દરમિયાન ભારતીય મૂળના લોકોને કમલા હેરિસે કહ્યું કે, ‘વર્ષોથી ભારતીય મૂળના અમેરિકન નાગરિકો વધુ સંખ્યામાં ચૂંટણી પ્રક્રિયાનો હિસ્સો બન્યા છે, પરંતુ આ સંખ્યા હજુ પણ તેમની વધતી વસ્તીના સાચા પ્રમાણને દર્શાવતી નથી.’

 

વસ્તીના સંબંધમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ઓછી છે: કમલા હેરિસ 

આ કાર્યક્રમમાં બોલતા કમલા હેરિસે જણાવ્યું હતું કે, વર્ષોથી ભારતીય મૂળના અમેરિકન નાગરિકો વધુ સંખ્યામાં ચૂંટણી પ્રક્રિયાનો હિસ્સો બન્યા છે, પરંતુ આ સંખ્યા હજુ પણ તેમની વધતી વસ્તીના સાચા પ્રમાણને દર્શાવતી નથી. હાલમાં, યુએસ કોંગ્રેસ(સાંસદ)માં ભારતીય મૂળના પાંચ ચૂંટાયેલા સભ્યો છે, જેમાં ડૉ. એમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના, પ્રમિલા જયપાલ અને શ્રી થાનેદારના નામનો સમાવેશ થાય છે. ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટનું માનવું છે કે, 2024ની ચૂંટણીમાં ભારતીય મૂળના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા પાંચથી વધીને 10 થઈ શકે છે.

USમાં ભારતીય મૂળનો સમુદાયએ બીજા નંબરનો સૌથી મોટો ઇમિગ્રન્ટ સમુદાય

ભારતીય મૂળનો સમુદાય અમેરિકામાં બીજા નંબરનો સૌથી મોટો ઇમિગ્રન્ટ સમુદાય છે અને 2024ની ચૂંટણીમાં સખત સ્પર્ધા વચ્ચે ભારતીય મૂળનો સમુદાય ઘણા રાજ્યોમાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કમલા હેરિસે વોશિંગ્ટનમાં આયોજિત નિર્ણાયક કાર્યક્રમમાં થિંક ટેન્ક ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ‘આ થિંક ટેન્ક ખૂબ સારું કામ કરી રહી છે, અને હું ચૂંટણી લડી રહેલા લોકોનો પણ આભાર માનું છું અને તમારે ચૂંટણી જરૂર લડવી જોઈએ.’ હેરિસે કહ્યું કે, તમારે જાણવું જોઈએ કે તમે એકલા નથી. હજી ઘણું કામ છે જે આપણે એક દેશ તરીકે કરવાનું છે અને તેથી જ આપણે અહીં છીએ. અમે અમેરિકી સ્વપ્નમાં વિશ્વાસ કરીએ છીએ અને હું કહેવા માંગુ છું કે હું અમેરિકન સ્વપ્નનું સૌથી મોટું ઉદાહરણ છું. ઉલ્લેખનીય છે કે, કમલા હેરિસ ભારતીય અમેરિકન અને આફ્રિકન અમેરિકન મૂળની પ્રથમ મહિલા ઉપપ્રમુખ છે. કમલા હેરિસની માતા ભારતીય મૂળની હતી અને તેના પિતા જમૈકન મૂળના હતા.

આ પણ જુઓ: ‘ભારત ચંદ્ર પર, આપણે ત્યાં ગટર…’ પાકિસ્તાની સાંસદે એસેમ્બલીમાં પોતાના દેશની જ પોલ ખોલી

Back to top button