ગંગોત્રી-યમનોત્રીમાં ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓને મદદ કરવા રાજ્ય સરકારે લીધાં પગલાં
ગાંધીનગર, 14 મેઃ ચારધામ યાત્રાની શરૂઆત વેળાએ ગંગોત્રી-યમનોત્રીમાં યાત્રિકોના અભૂતપૂર્વ ધસારામાં અસર પામેલા ગુજરાતના યાત્રિકોને સરળતાથી માર્ગ મળે તે માટે રાજ્ય સરકારના પ્રયાસોને સફળતા મળી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ યાત્રાધામોમાં ગુજરાતના કેટલાક યાત્રાળુઓના વાહનો ભીડમાં અટવાઈ ગયા હોવાની માહિતી મળી હતી. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ત્વરાએ યોગ્ય પ્રબંધન માટે કાર્યકારી મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમરને સૂચનાઓ આપી હતી.
કાર્યકારી મુખ્ય સચિવે મુખ્યમંત્રીના દિશાનિર્દેશ અનુસાર ઉત્તરાખંડ રાજ્ય સરકારનો સંપર્ક સાધીને યાત્રા માર્ગમાં અટવાયેલા ગુજરાતી યાત્રિકોને સરળતાએ માર્ગ કાઢીને આગળની યાત્રા માટે પ્રસ્થાનની જરૂરી વ્યવસ્થાઓ અંગે વાતચીત કરી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પણ આ અંગે જરૂરી સંકલનમાં રહ્યું હતું.
રાજ્ય સરકાર આ મુદ્દે ત્વરીત દરમ્યાન થવાથી ગુજરાત સરકાર સાથે સંકલનમાં રહીને ઉત્તરાખંડ સરકારના વહીવટી તંત્રએ આ યાત્રાળુઓ માટે યોગ્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ વ્યવસ્થાઓ હાથ ધરી છે.
એટલું જ નહીં, ચારધામ યાત્રાએ ગયેલા આ યાત્રિકોએ યમનોત્રી-ગંગોત્રીથી આગળની યાત્રા માટે પ્રસ્થાનની શરૂઆત પણ કરી દીધી છે.
આ પણ વાંચોઃ હવે વધુ શ્રદ્ધાળુઓને મોકલવા જોખમી, યમુનોત્રી ધામની યાત્રા સ્થગિત કરવા પોલીસની અપીલ