‘રોહિત દિલનો અચ્છો ઇન્સાન’: પૂર્વ ભારતીય દિગ્ગજે કર્યા ભરપૂર વખાણ
7 મે, ચંડીગઢ: T20 વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે તેમ તેમ ચાહકોમાં ઇન્તેજારી પણ વધી રહી છે. એવામાં ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્માના એક પૂર્વ દિગ્ગજે ભરપૂર વખાણ કર્યા છે. આ પૂર્વ દિગ્ગજ રોહિત શર્મા સાથે એક સમયે મુંબઈ ઇન્ડિયન્સમાં પણ રમી ચૂક્યો છે.
આ પૂર્વ ભારતીય દિગ્ગજે એમ પણ કહ્યું છે કે રોહિત શર્માની જરૂર ટીમ ઈન્ડિયાને છે અને તે આવનારા ICC T20 World Cupમાં મોટી ભૂમિકા ભજવી શકે તેમ છે.
રોહિત શર્માના ભરપૂર વખાણ કરનાર આ ક્રિકેટર છે યુવરાજ સિંઘ. તેણે કહ્યું છે કે રોહિત શર્મા એક સમજદાર કેપ્ટન છે અને તે દબાણમાં સારા નિર્ણયો લેતો હોય છે. આથી રોહિત શર્માની ટીમમાં હાજરી ટીમ માટે જ ફાયદાકારક બની રહેશે. રોહિતની કપ્તાનીમાં ભારત ગત T20 વર્લ્ડ કપમાં સેમીફાઈનલ સુધી પહોંચ્યું હતું અને 50 ઓવર્સના વર્લ્ડ કપમાં ફાઈનલ સુધી.
યુવરાજ સિંઘ આવનારા વર્લ્ડ કપના બ્રાંડ એમ્બેસેડર પણ છે અને તેમણે કહ્યું હતું કે, ‘રોહિતની હાજરી ઘણી મહત્વની રહેશે. આપણને સારા કેપ્ટનની જરૂર છે અને આપણને સમજદાર કેપ્ટનની જરૂર છે જે દબાણમાં સારા નિર્ણયો લઇ શકે. રોહિત એ પ્રકારનો જ કેપ્ટન છે.’
યુવરાજે આગળ કહ્યું હતું કે, ‘જ્યારે આપણે 50 ઓવરના વર્લ્ડ કપની ફાઈનલમાં હાર્યા હતા ત્યારે રોહિત જ કેપ્ટન હતો. તેણે કેપ્ટન તરીકે પાંચ IPL ટ્રોફીઝ જીતી છે. આપણને તેના જેવા જ કેપ્ટનની જરૂર છે.’
જ્યારે યુવરાજને રોહિત શર્મા સાથે તેમની પ્રથમ મુલાકાતની કોઈ યાદગાર પળ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે હસતાં હસતાં કહ્યું હતું કે રોહિતનું ખરાબ અંગ્રેજી મને કાયમ યાદ રહેશે.
રોહિત શર્માની કોઈ ખાસિયત વિશે પૂછવામાં આવતા યુવરાજ સિંઘે જણાવ્યું હતું કે, ‘રોહિત એકદમ મજેદાર વ્યક્તિ છે. તે મુંબઈના બોરીવલી વિસ્તારમાં મોટો થયો છે અને અમે તે સમયથી તેની મસ્તી કરતાં આવ્યા છીએ, પરંતુ તે ક્યારેય ગુસ્સે નથી થયો. રોહિત શર્માએ આટલી બધી સફળતા મેળવી છે પરંતુ તે હજી પણ પહેલા જેવો છે જરા પણ બદલાયો નથી. તે હંમેશાં મસ્તી-મજાક કરતો રહે છે. તે એક બહેતરીન કેપ્ટન છે અને મારા સહુથી નજીકના મિત્રોમાંથી એક છે. હું ઈચ્છું છું કે એ વર્લ્ડ કપ જીતે કારણકે તે એનો હક્કદાર છે.