‘ભારતનું પંચાયતી રાજ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ’, UNમાં રૂચિરા કંબોજે કરી મહિલાઓની પ્રશંસા
ન્યૂયોર્ક (અમેરિકા), 05 મે 2024: ભારતની પંચાયતી રાજ વ્યવસ્થાને લોકશાહીના ઉત્તમ ઉદાહરણ તરીકે સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરવામાં આવી હતી. UNમાં ભારતના કાયમી રાજદૂત રૂચિરા કંબોજે દેશના પંચાયતી રાજને પ્રત્યક્ષ લોકશાહીનું “ઉત્તમ ઉદાહરણ” ગણાવ્યું અને કહ્યું કે પરંપરાગત અવરોધોને તોડીને મહિલા નેતાઓએ તેમના સમુદાયોમાં ક્રાંતિ લાવી છે. કંબોજે શુક્રવારે કહ્યું હતું કે ભારતને પંચાયતી રાજ તરીકે ઓળખાતી ગ્રામીણ વહીવટની અનોખી વ્યવસ્થા પર ગર્વ છે. તે પાયાના સ્તરે વિકેન્દ્રિત શક્તિનું પ્રતીક છે.
પંચાયતી રાજ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ: રૂચિરા કંબોજ
રૂચિરા કંબોજે કહ્યું, વિશ્વમાં જોવા મળતી મ્યુનિસિપલ ગવર્નન્સ સિસ્ટમથી વિપરીત પંચાયતી રાજ સીધી લોકશાહીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જે સમુદાયના તમામ પુખ્ત સભ્યોની ગ્રામસભા અથવા એસેમ્બલી દ્વારા પંચાયતના તમામ રહેવાસીઓને સક્રિય ભાગીદારીની સુવિધા પ્રદાન કરે છે. કંબોજ એક કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશન, પંચાયતી રાજ મંત્રાલય અને યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA) દ્વારા કરવામાં આવ્યું હતું.
UNના કાર્યક્રમોમાં ઘણી ભારતીય મહિલાઓએ ભાગ લીધો હતો
આ કાર્યક્રમમાં રાજસ્થાનના પંચાયત મહિલા નેતાઓ નીરુ યાદવ, આંધ્રપ્રદેશના કુનુકુ હેમા કુમારી અને ત્રિપુરાના સુપ્રિયા દાસ દત્તાએ મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને હવામાન પરિવર્તન તરફના તેમના પ્રયાસોના અનુભવો શેર કર્યા. કંબોજે કહ્યું તેમ કે, એવું બિલકુલ પણ નથી કે મહિલા પંચાયત નેતાઓની પ્રેરણાદાયી વાર્તાઓમાં કોઈ પડકારો ન હતા. આ મહિલાઓએ પિતૃસત્તાના સ્થાપિત ધોરણો અને સ્ટીરિયોટાઇપ્સનો સતત સામનો કરીને તેને તોડ્યા છે. તેમણે કહ્યું કે, સાતત્યપૂર્ણ પ્રણાલીગત પહેલ અને અતૂટ નિશ્ચય દ્વારા તેઓ યથાસ્થિતિને પડકારી રહ્યાં છે અને લિંગ સમાનતાને આગળ વધારી રહ્યાં છે.
આ પણ વાંચો: મહિલા સશક્તિકરણ દ્વારા જ ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બનશે: UNમાં રૂચિરા કંબોજ