મિલકતના ઝઘડામાં માતા-પુત્રી ગુસ્સે ભરાયાં, 7 વીઘામાં તૈયાર શેરડીનો પાક સળગાવી નાખ્યો
સુરત, 19 એપ્રિલ 2024, વરિયાવ વિસ્તારમાં મિલકતના ઝઘડામાં ગુસ્સે ભરાયેલી વિધવા ભાભીએ તેની પુત્રી સાથે દિયર દ્વારા ખેતરમાં પકવેલી શેરડી સળગાવી દીધી હતી. 7 વીઘાના ખેતરમાં પાંચ લાખની કિંમતના શેરડીના તૈયાર થઈ ગયેલા ઊભા પાકને સળગાવતો લાઈવ વીડિયો સામે આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ખેતર સળગાવનાર માતા-પુત્રીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડીલો પાર્જિત મિલકતના હિસ્સાની વહેંચણી શરૂ થઈ હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે વરિયાવના કંટારા ફળિયામાં રહેતા ખેડૂત પ્રવીણભાઈ પટેલે જહાંગીરપુરા પોલીસ મથકમાં પોતાની વિધવા ભાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેઓ પોતે કંટારા ફળિયામાં રહે છે અને વરિયાવમાં વડીલો પાર્જિત 7 વીઘા જમીનમાં ખેતીકામ કરે છે. પરિવારમાં ત્રણ બહેનો તથા ચાર ભાઈઓ હતાં. વડીલો પાર્જિત મિલકતના હિસ્સાની વહેંચણી શરૂ થઈ હતી. ભાઈઓ ત્રણ સગી બહેનોને હિસ્સો આપવા માગતા હતા, પરંતુ સ્વર્ગસ્થ ભાઈ અર્જુનની ડિવોર્સ લઈ છૂટી થયેલી પત્ની જ્યોતિ અને તેની દીકરી ખુશ્બુએ તેનો વિરોધ કર્યો હતો અને મિલકતમાં હિસ્સો માંગ્યો હતો. આ મામલે સુરતની રેવન્યુ કોર્ટમાં 2016થી દાવો ચાલે છે. ગત 26 જાન્યુઆરીએ ખેતરમાં પ્રવીણભાઈએ શેરડીનું વાવેતર કર્યું હતું. તેની સામે વિધવા ભાભી જ્યોતિએ કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. નવી પારડીમાં 3 ફેબ્રુઆરીએ દાવો કર્યો હતો. તેથી શેરડીની કાપણી અટકી ગઈ હતી.
પોલીસે માતા અને પુત્રીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી
ગત 17 એપ્રિલે પ્રવીણભાઈ ઘરે બેઠા હતા ત્યારે અડધો કિલોમીટર દૂર ખેતરમાંથી આગનો ધુમાડો નીકળતા પ્રવીણભાઈ અને તેમનો દીકરો તરત ખેતર તરફ દોડ્યા હતા. પ્રવીણભાઈ અને તેમનો દીકરો ખેતરમાં પહોંચતા જ તેમના ભાઈની ડિવોર્સ પત્ની જ્યોતિબેન અને તેમની દીકરી ખુશ્બુ શેરડીને આગ ચાંપતા નજરે પડ્યાં હતાં. પ્રવીણભાઈના દીકરાએ બંનેની હરકતનો વીડિયો ઉતારી લીધો હતો. વિધવા ભાભી અને ભત્રીજીની હરકતના લીધે પ્રવીણભાઈનો 5 લાખની કિંમતનો શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. આ સમગ્ર બનાવને પગલે પ્રવીણભાઈએ ખેતરમાં આગ લગાવનાર તેમનાં ભાભી જ્યોતિબેન અને ભત્રીજી ખુશ્બુ સામે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રવીણભાઈની ફરિયાદને આધારે અને ખેતરમાં સળગાવતા લાઈવ વીડિયોને આધારે જ્યોતિબેન અને તેમની પુત્રી ખુશ્બુ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં દાદા હરિની વાવ પાસે દિવાલ ધસી પડતા બેનાં મોત, ત્રણને ઇજા