રામલલાની મૂર્તિના સર્જન દરમિયાન પત્ની સાથે ભાગ્યે જ વાત થતી જેથી…કલાકાર યોગીરાજે શૅર કર્યા અનુભવો
મેંગલુરુ (કર્ણાટક), 15 એપ્રિલ: રામલલાનું નામ આવે ત્યારે અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન ભગવાનની પ્રતિમા નજરો સમક્ષ આવી જાય છે. મહામહેનતે તૈયાર થયેલી આ મૂર્તિ માત્ર મૂર્તિ નથી પરંતુ ભગવાન પ્રત્યેનો દરેકનો પ્રેમ, આસ્થા અને આરાધ્યા છે. મહત્ત્વનું છે કે, શિલ્પકાર અરુણ યોગીરાજે અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામલલાની મૂર્તિ બનાવી છે. તેમની આ મોટી ઉપલબ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ તેમને મળ્યા હતા. આ તમામ વચ્ચે શિલ્પકાર અરુણ યોગીરાજે રામલલાની મૂર્તિ બનાવવા સુધીની તેમની આખી સફર લોકો સાથે શેર કરી છે.
લોકો તરફથી અઢળક પ્રેમ મળ્યો
અરુણ યોગીરાજે કહ્યું કે, રામલલાની મૂર્તિ ભગવાન રામ પ્રત્યેના ભક્તોના પ્રેમને કારણે સુંદર છે. ભગવાન રામની મૂર્તિ બનાવ્યા પછી મારા જીવનમાં અઢળક બદલાવો આવ્યા છે. દેશના ખૂણે-ખૂણેથી લોકોનો પ્રેમ મળી રહ્યો છે. આ સાથે ભગવાન શ્રી રામ માટે લોકોના પ્રેમનો પણ મને હિસ્સો મળી રહ્યો છે. હર કોઈ મને મળવા માંગે છે. લોકો મારા દ્વારા બનાવેલી રામલલાની મૂર્તિ વિશે વાત કરવા માંગે છે. મેં પણ નક્કી કર્યું છે કે હું લોકો સાથે સમય વિતાવીશ, હું પણ લોકો સાથે રહેવા માંગુ છું. જ્યારે પણ મને તક મળશે ત્યારે હું મારા દેશ માટે ફરીથી કંઈક કરીશ.
પત્ની અને પરિવાર તરફથી ખૂબ જ સમર્થન મળ્યું
પરિવાર તરફથી મળેલા સમર્થન વિશે બોલતા યોગીરાજે શેર કર્યું કે, હું મૂર્તિ બનાવવામાં એટલો તલ્લીન બની ગયો કે, જ્યારે મારો પુત્ર તેનું પ્રથમ પગલું ભરવાનું શીખ્યો ત્યારે હું ત્યાં ન હતો.જો કે, આ ખૂબ નાનું બલિદાન છે. મારો પરિવારે મને ખૂબ જ સપોર્ટ કર્યો ખાસ કરીને મારી પત્ની વિજેતાએ. યોગીરાજે શેર કર્યું કે, ખૂબ જ પ્રેશર હતું. મારા બાળકો બીમાર હતા તો પણ વિજેતાએ મને જાણ ન કરી. કારણે કે એને ખબર હતી કે, મને ખબર પડશે તો હું કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીશ નહીં. રામલલાની મૂર્તિ બનાવવાના સમયગાળા દરમિયાન યોગીરાજ તેમની પત્ની સાથે ભાગ્યે જ વાતચીત કરતા હતા.
લોકોને લાગે છે કે ભગવાન રામ વાત કરશે: યોગીરાજ
યોગીરાજે કહ્યું કે, લોકોના મનમાં સૌથી વધુ સવાલ ભગવાન શ્રી રામની આંખોને લઈને છે. ભગવાન શ્રી રામની આંખો જોયા પછી દરેકને લાગે છે કે તે જ સમયે તે તેમની સાથે વાત કરશે. તે જીવંત પ્રતિમા જેવી દેખાય છે. લોકો મને પૂછે છે કે, ભગવાન શ્રી રામની આંખો કેવી રીતે બનાવી? મારો જવાબ હંમેશા હોય છે કે આ મેં નથી બનાવ્યું, ભગવાન રામે બનાવ્યું છે. યોગીરાજે કહ્યું, જ્યારે હું શ્રી રામની મૂર્તિ બનાવતો હતો ત્યારે 18-19 વર્ષની આસપાસના ચાર-પાંચ છોકરાઓ કહેતા હતા કે જાણે ભગવાન રામ તેમની સાથે વાત કરે છે. પેલા છોકરાઓએ જે કહ્યું તે સાચું પડ્યું. હવે આખો દેશ એમ પણ કહે છે કે ભગવાન શ્રી રામની આંખો જોઈને લાગે છે કે તે સમયે ભગવાન તેમની સાથે વાત કરશે. તેમની આંખો ખૂબ જ જીવંત છે, જે એક કલાકાર માટે એક મોટી ઉપલબ્ધિ છે.
આ પણ વાંચો: રામલલાની આ મૂર્તિ પણ અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે બનાવવામાં આવી હતી