ભારતમાં આ જગ્યા પર મળી આવે છે તરતા ઊંટ, ખાસિયત જાણીને નવાઈ લાગશે
- શું તમે કદી તરતા ઊંટ વિશે સાંભળ્યું છે? ઊંટની એવી કોઈ પ્રજાતિ વિશે તમે જાણો છો જે પાણીમાં તરી શકતા હોય. આજે તમને ઊંટની એવી પ્રજાતિ વિશે જણાવીએ જે પાણીમાં તરી શકે છે અને તેને ‘ખરાઈ’ કહેવામાં આવે છે
આપણે નાના હતા ત્યારથી સાંભળતા આવ્યા છીએ કે ઊંટ રણનું વહાણ છે. શું તમે કદી તરતા ઊંટ વિશે સાંભળ્યું છે? ઊંટની એવી કોઈ પ્રજાતિ વિશે તમે જાણો છો જે પાણીમાં તરી શકતા હોય. આજે તમને ઊંટની એવી પ્રજાતિ વિશે જણાવીએ જે પાણીમાં તરી શકે છે અને તેને ‘ખરાઈ’ કહેવામાં આવે છે. તે ભારતમાં કઈ જગ્યા પર મળી આવે છે અને શું છે તેની ખાસિયત? કચ્છમાં ઊંટની ‘ખરાઈ’ જાતિ ખૂબ જ પ્રસિદ્ધ છે. તેમની ખાસ વાત એ છે કે તેઓ રણમાં નહીં, પરંતુ ઊંડા પાણીમાં જઈને પોતાનું ભોજન શોધવાની મહેનત કરે છે. તેમનું મુખ્ય ભોજન ચેર નામનો છોડ છે. જેને મેળવવા માટે તે સમુદ્રમાંથી પસાર થાય છે. ઊંટની આ પ્રજાતિને રાષ્ટ્રીય માન્યતા પણ મળી ચુકી છે.
ક્યાં મળી આવે છે આ પ્રજાતિ
કચ્છના તટીય ગામમાં ઊંટની આ પ્રજાતિ મળી આવે છે. તે સમુદ્રમાં રહેલી વનસ્પતિઓને ખાય છે અને કોઈ પણ માનવીય મદદ વગર ઊંડા પાણીમાં ત્રણ કિલોમીટર સુધીની સફર આરામથી કરી શકે છે. કચ્છમાં મળી આવતી ઊંટની પ્રજાતિ સુરજવાડી, અંબલિયારા અને જંગી સુધી સમુદ્રી ખાડી ક્ષેત્રોમાં જોવા મળે છે.
ઘટી રહી છે તેમની સંખ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2012માં આ પ્રજાતિના ઊંટોની સંખ્યા 4,000 હતી, જે હવે ઘટીને 2,000થી પણ ઓછી થઈ ગઈ છે. તેની પાછળનું કારણ ચેરની વનસ્પતિ ઘટી રહી છે. તેનું આડેધડ નિકંદન નીકળી રહ્યું છે અને તેજ આ ઊંટની પ્રજાતિનું પ્રિય ભોજન છે. જો કે, સ્થાનિક લોકોથી લઈને વન વિભાગ અને કેટલીક સંસ્થાઓ પણ તેમની સંભાળ અને સંરક્ષણ માટે સતત કામ કરી રહી છે.
ઊંટના દૂધની પણ છે ઘણી માંગ
આ વિસ્તારોમાં ઊંટના દૂધનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેની મદદથી ઘણી ખાદ્ય ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવે છે અને તેનું સેવન સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ જ કારણ છે કે આ ઊંટના દૂધની સ્થાનિક લોકો તેમજ આસપાસના વિસ્તારોમાં ખૂબ માંગ છે. લોકોમાં એવી માન્યતા છે કે તેને પીવાથી વાઈ, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓથી પણ બચી શકાય છે.
આ પણ વાંચોઃ ખોડલધામ મંદિર ખાતે આજથી ચૈત્રી નવરાત્રિની ધામધૂમથી ઉજવણી