ટ્રેન્ડિંગમનોરંજન

મહાકાલની શરણમાં પહોંચ્યા આશુતોષ રાણા, ભસ્મ આરતીમાં થયા સામેલ

  • ગોવિંદા, હેમા માલિની, આયુષ્માન ખુરાના સહિતના સ્ટાર્સ બાદ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને કવિ આશુતોષ રાણા પણ મહાકાલના દરબારમાં પહોંચી ગયા છે. તેમણે ભસ્મ આરતીમાં ભાગ લીધો અને ભોલેનાથના આશીર્વાદ લીધા હતા.

4 એપ્રિલ, ઉજજૈનઃ બોલિવૂડથી લઈને ક્રિકેટ વર્લ્ડના સેલિબ્રિટીઝ ભગવાનની ભક્તિમાં મગ્ન જોવા મળે છે. બાબા મહાકાલના દર્શન આ લોકોને એક અલગ જ અનુભૂતિ આપતા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ ગોવિંદા, હેમા માલિની, આયુષ્માન ખુરાના સહિત ઘણા સ્ટાર્સે ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લીધી હતી અને ભોલેનાથના આશીર્વાદ લીધા હતા. હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને કવિ આશુતોષ રાણા પણ મહાકાલના દરબારમાં પહોંચી ગયા છે.

ભોલેનાથની ભક્તિમાં લીન

અભિનેતાએ ગુરુવાર, 4 એપ્રિલે, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી, જ્યાં તેમણે બાબા મહાકાલની પૂજા કરી અને આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન અભિનેતાએ ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. એક વીડિયો પણ ઓનલાઈન સામે આવ્યો છે, જેમાં તેઓ મંદિરની અંદર નંદી હોલમાં બેસીને મંત્રોચ્ચાર કરતા જોવા મળે છે. વીડિયોમાં, અભિનેતા સફેદ કુર્તા પાયજામા, કાળા જેકેટ અને ગળામાં કેસરી રંગનો ખેસ પહેરેલા જોઈ શકાય છે. વીડિયોમાં અભિનેતા મંદિરના ગર્ભગૃહના ઉંબરા પર બેસીને બાબા મહાકાલની પૂજા અને ઓમ નમઃ શિવાયનો જાપ કરતા ભોલેનાથની ભક્તિમાં લીન દેખાય છે.

ભસ્મ આરતીમાં થયા સામેલ

વહેલી સવારે થતી ભસ્મ આરતી દરમિયાન મંદિરના પૂજારીઓએ પરંપરાને અનુસરીને બાબા મહાકાલના દ્વાર ખોલ્યા અને ભક્તોએ ભોલેનાથના દર્શન કર્યા હતા. ત્યારબાદ બ્રહ્મ મુહૂર્તમાં બાબા મહાકાલનો પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો અને છેલ્લે શંખ નાદ સાથે મહાદેવની ભસ્મ આરતી કરવામાં આવી હતી. આ દરમિયાન આશુતોષ રાણાએ પણ આ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો

આશુતોષની ફિલ્મો

આશુતોષ રાણા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમના યોગદાન માટે જાણીતા છે. તેઓ લાંબા સમયથી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તેમણે ‘દુશ્મન’, ‘સંઘર્ષ’, રાઝ, ‘પઠાણ’, ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનય માટે ખૂબ પ્રશંસા મેળવી છે. આશુતોષ રાણા આગામી એક્શન ફિલ્મ ‘વોર 2’માં જોવા મળશે. ડિરેક્ટર અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રિતિક રોશન અને એનટીઆર જુનિયર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચોઃ વેકેશનમાં આ જગ્યાઓ પર ખૂબ જ સસ્તામાં ફરી શકશો, ગરમીની સીઝન બેસ્ટ

Back to top button