ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણી રંગોળી: બિહાર- પશ્ચિમ બંગાળમાં મતદારોને રીઝવવા ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો

કોલકાતા/ પટણા, 02 એપ્રિલ: લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આગામી 19મી એપ્રિલે થવાનું છે. જેને લઈને રાજકીય દળોએ ઝંઝાવતી પ્રચાર શરૂ કરી દીધો છે. પશ્ચિમ બંગાળ અને બિહારમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારો મતદારોને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે. કોલકાતા ઉત્તરના TMC ઉમેદવાર સુદીપ બંદોપાધ્યાયે ચૂંટણી પ્રચારના ભાગરૂપે રોડ શો શરૂ કર્યો. જ્યારે બિહારમાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ રાજકારણમાં એન્ટ્રી કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે.

TMCના નેતા સુદીપ બંદોપાધ્યાયે રોડ શો શરૂ કર્યો

કોલકાતા ઉત્તરથી TMCના ઉમેદવાર સુદીપ બંદોપાધ્યાયે કહ્યું કે, અમે લોકો હંમેશા જીતવામાં માનીએ છીએ. મમતા બેનર્જી અમારા નેતા છે.જ્યારથી તેમણે પાર્ટીની રચના કરી છે ત્યારથી તેમને લોકપ્રિયતા અને સ્વીકૃતિ મળી છે. TMC નેતાએ જણાવ્યું કે, મમતા બેનર્જીએ કહ્યું છે કે આખો દેશ ચૂંટણી પરિણામો જોશે. અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ભારતીય રાજનીતિમાં ટર્નિંગ પોઈન્ટ છે. કેજરીવાલની ધરપકડ એ INDI ગઠબંધન તોડવાનો પ્રયાસ છે. મહત્વનું છે કે, TMC નેતા સુદીપ બંદોપાધ્યાય કોલકાતા નોર્થ સીટ પરથી પાંચ વખત જીતી ચૂક્યા છે.

રોહિણી આચાર્યએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી

બીજી તરફ, બિહારની સારણ બેઠક પરથી લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય મેદાનમાં ઉતર્યા છે. પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરતાં રોહિણી આચાર્યએ કહ્યું કે, હવે હું જનતાની વચ્ચે જઈ રહી છું. માતા-પિતાનો અને બાબા હરિહરનાથના આશીર્વાદ મળી ગયા છે. ઉલ્લેખનીય છે કે લાલુ યાદવ 1977માં સારણ બેઠક પરથી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. તેઓ આ બેઠક પરથી ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે. લાલુ યાદવ 2009માં સારણ બેઠક પરથી સાંસદ પણ ચૂંટાયા હતા. આ સીટ 2014થી ભારતીય જનતા પાર્ટી (BJP)ના કબજામાં છે. આમ, RJD અને BJP વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે, આ વખતે કોણ બાજી મારશે.

આ પણ વાંચો: ચૂંટણી રંગોળીઃ જ્યારે પંડિત જગન્નાથ મિશ્રા અને ડૉ. જગન્નાથ મિશ્રા વચ્ચે ગોટાળો થયો હતો

Back to top button