ભારત પર UNનો વિશ્વાસ વધ્યો: એક ભારતીયને આપી મોટી જવાબદારી, જાણો અહીં
- સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ દ્વારા આપત્તિ જોખમ ઘટાડવા માટે તેમના વિશેષ પ્રતિનિધિ તરીકે ભારતીયની નિયુક્તિ કરવામાં આવી
સંયુક્ત રાષ્ટ્ર, 28 માર્ચ: વિશ્વમાં મુશ્કેલીના સમયમાં ભારતની છબી સૌથી મોટા મદદગાર તરીકે ઉભરી આવી છે. યુનાઈટેડ નેશન્સ(UN) પણ ભારતની આ વિશેષતાની પ્રતીતિ કરાવે છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતે મહામારીથી લઈને યુદ્ધ અને અન્ય કુદરતી આફતો સુધી વિશ્વના ઘણા દેશોને નિ:સ્વાર્થપણે મદદ કરી છે. તેથી, UN દ્વારા એક ભારતીયને પોતાનો પ્રતિનિધિ બનાવવામાં આવ્યા છે.
ભારતની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના ટોચના અધિકારી 55 વર્ષીય કમલ કિશોરને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા આપત્તિ જોખમ ઘટાડવા માટે તેમના વિશેષ પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કમલ કિશોરને યુનાઇટેડ નેશન્સ ઑફિસ ફૉર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (UNDRR)માં જનરલ-સેક્રેટરીના સહાયક અને વિશેષ પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, એમ સેક્રેટરી-જનરલના પ્રવક્તા સ્ટીફન દુજારિકે બુધવારે દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. NDMAમાં કમલ કિશોરનું પદ ભારત સરકારના સચિવ સ્તરનું છે. તેઓ UNDRR ખાતે જાપાનની મામી મિઝુટોરીનું સ્થાન લેશે.
Mr. Kamal Kishore of India has been appointed as the United Nations Special Representative for Disaster Risk Reduction.
UN Secretary-General António Guterres today announced the appointment of the new head of UNDRR: https://t.co/bG86jSaWIq
Photo: GFDRR pic.twitter.com/x26Qu4Utp7
— UNDRR (@UNDRR) March 27, 2024
આકસ્મિક આપત્તિના કિસ્સામાં ભારત વિશ્વમાં સૌથી મોટા મદદગાર તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે વૈશ્વિક ઇમરજન્સીના સમયમાં વિશ્વની મદદ કરવામાં હંમેશા આગળ રહેવાની હિંમત દર્શાવી છે તે અંગે સંયુક્ત રાષ્ટ્રને પણ ખાતરી થઈ છે. કોવિડ આપત્તિ દરમિયાન વિશ્વના વિવિધ દેશોને મફતમાં કોરોનાની રસી આપવાનો મામલો હોય કે તુર્કી અને નેપાળ જેવા દેશોમાં ભૂકંપ પીડિતોની મદદ કરવાની વાત હોય અને પછી તે રશિયા-યુક્રેન યુદ્ધ હોય, ઇઝરાયેલ-હમાસ યુદ્ધના પીડિતોને માનવતાવાદી સહાય પૂરી પાડવાની વાત હોય ભારતે હંમેશા માનવતાને સર્વોપરી રાખી છે. આથી ભારત પર સંયુક્ત રાષ્ટ્રનો વિશ્વાસ વધ્યો છે.
કમલ કિશોરે આપત્તિ જોખમ પર G-20 કાર્યકારી ગ્રુપનું કર્યું હતું નેતૃત્વ
G20ના ભારતના પ્રમુખપદ દરમિયાન, કમલ કિશોરે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન પર G20 વર્કિંગ ગ્રુપનું નેતૃત્વ કર્યું હતું. તેમણે 2019માં ક્લાઈમેટ એક્શન સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગઠબંધનના વિકાસમાં પણ યોગદાન આપ્યું હતું. સેક્રેટરી-જનરલના પ્રવક્તા સ્ટીફન દુજારિકે જણાવ્યું હતું કે, કમલ કિશોરને વૈશ્વિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે આપત્તિ જોખમ ઘટાડવા, આબોહવા પગલાં અને ટકાઉ વિકાસમાં સરકાર, સંયુક્ત રાષ્ટ્ર અને નાગરિક સમાજ સંસ્થાઓમાં કામ કરવાનો ત્રણ દાયકાનો અનુભવ છે.
કમલ કિશોરે શું અભ્યાસ કર્યો છે?
NDMAમાં જોડાતા પહેલા કમલ કિશોરે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) માટે જિનીવા, દિલ્હી અને ન્યૂયોર્કમાં લગભગ 13 વર્ષ સુધી કામ કર્યું હતું. કમલ કિશોરે થાઇલેન્ડના બૅંગકોકમાં આવેલી એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાંથી શહેરી આયોજન, જમીન અને હાઉસિંગ ડેવલપમેન્ટમાં માસ્ટર ઑફ સાયન્સ તેમજ રૂરકીના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાંથી આર્કિટેક્ચરમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.
આ પણ જુઓ: એલોન મસ્કની મોટી જાહેરાત, હવે વિશિષ્ટ X યુઝર્સને ફ્રીમાં મળશે બ્લુ ટિક