- અમેરિકાએ અરુણાચલ પ્રદેશને લઈને મોટું નિવેદન આપતાં ચીનને લાગશે મિર્ચી
વોશિંગ્ટન DC, 21 માર્ચ: અરુણાચલ પ્રદેશને લઈને અમેરિકાએ આજે ગુરુવારે મોટું નિવેદન આપ્યું છે. અરુણાચલ પ્રદેશ પર ચીનના ખોટા દાવા પર ચીનને આડે હાથ લેતા અમેરિકાએ સ્પષ્ટપણે કહ્યું છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે. અમેરિકા તેને ભારતના રાજ્ય તરીકે જ ઓળખે છે. યુએસ અરુણાચલ પ્રદેશને ભારતીય ક્ષેત્ર તરીકે જ માન્યતા આપે છે અને વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control-LAC) પર પ્રાદેશિક દાવા કરવાના કોઈપણ પ્રયાસોનો સખત વિરોધ કરે છે. અમેરિકાના આ નિવેદનથી ચીનને આઘાત લાગી શકે છે. ભારતે હંમેશા અરુણાચલ પ્રદેશ પર ચીનના ખોટા દાવાનો સખત વિરોધ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલની મુલાકાતને લઈને ચીનની સેનાએ રાજ્ય પર પોતાના દાવાને પુનરાવર્તિત કર્યા પછી આ દિવસોમાં અમેરિકાના એક સત્તાવાર પ્રવક્તાએ આ જણાવ્યું હતું.
#WATCH | On China’s reaction to the visit of PM Modi to Arunachal Pradesh, Vedant Patel, Principal Deputy Spokesperson, US Department of State says, “The United States recognizes Arunachal Pradesh as Indian territory and we strongly oppose any unilateral attempts to advance… pic.twitter.com/hoXXmMX34e
— ANI (@ANI) March 21, 2024
આ અઠવાડિયાની શરૂઆતમાં, ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વરિષ્ઠ કર્નલ ઝાંગ ઝિયાઓગાંગે કહ્યું હતું કે, જીઝાંગ (જે નામ ચીને તિબેટને આપ્યું છે)નો દક્ષિણ ભાગ ચીનનો આંતરિક હિસ્સો છે. અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ કહેનાર ચીન આ રાજ્યમાં ભારતીય નેતાઓની મુલાકાત સામે વાંધો ઉઠાવી રહ્યું છે.
PM મોદીએ 9 માર્ચે અરુણાચલ પ્રદેશની લીધી હતી મુલાકાત
બેઇજિંગે આ વિસ્તારને જંગનાન નામ પણ આપ્યું છે. 9 માર્ચે વડાપ્રધાન મોદીએ અરુણાચલ પ્રદેશમાં 13,000 ફૂટની ઉંચાઈ પર બનેલી સેલા ટનલ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ ટનલ વ્યૂહાત્મક રીતે સ્થિત તવાંગને તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે અને સરહદી વિસ્તારોમાં સૈનિકોની વધુ સારી અવરજવરમાં પણ મદદ કરશે.
અરુણાચલ પ્રદેશ પર ચીનના ખોટા દાવાનો અમેરિકા કરે છે વિરોધ: વેદાંત પટેલ
US સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે બુધવારે તેમની દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘US અરુણાચલ પ્રદેશને ભારતીય ક્ષેત્ર તરીકે માન્યતા આપે છે અને અમે વાસ્તવિક નિયંત્રણ રેખા પર લશ્કરી અથવા નાગરિક ઘૂસણખોરી અથવા ઉલ્લંઘન દ્વારા કોઈપણ પ્રાદેશિક દાવાઓને મંજૂરી આપતા નથી. અમે કોઈપણ એકપક્ષીય પ્રયાસનો સખત વિરોધ કરીએ છીએ.
ચીનના ખોટા દાવાને ભારતે સતત નકારી કાઢ્યું છે
ભારતે અરુણાચલ પ્રદેશ પર ચીનના ક્ષેત્રીય દાવાને વારંવાર નકારી કાઢ્યું છે અને કહ્યું છે કે, “આ રાજ્ય દેશનો અભિન્ન અંગ છે.” વિદેશ મંત્રાલયે કહ્યું કે, “અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો, છે અને રહેશે.” ભારતે આ વિસ્તારને ‘કાલ્પનિક’ નામ આપવાના બેઇજિંગના પગલાને પણ નકારી કાઢ્યું છે, એમ કહીને કે તેનાથી વાસ્તવિકતા બદલાશે નહીં. ભારતીય વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું કે, “તેણે ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા દ્વારા તાજેતરના નિવેદનો પર સંજ્ઞાન લીધું છે જેમાં અરુણાચલ પ્રદેશના પ્રદેશ પર વાહિયાત દાવા કરવામાં આવ્યા છે.”
આ પણ જુઓ: પતંજલિએ સુપ્રીમ કોર્ટમાં ગેરમાર્ગે દોરનારી જાહેરાતના કેસમાં બિનશરતી માફી માંગી