PM મોદી આજે ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે, બીજી યાદી થઈ શકે છે જાહેર
- પીએમ મોદી અમદાવાદમાં ગુજરાતને રૂ. 85 હજાર કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે અને સાબરમતીમાં કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હી, 12 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે ગુજરાત અને રાજસ્થાનની મુલાકાતે છે. અમદાવાદમાં તેઓ ગુજરાતને રૂ. 85 હજાર કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે. આ દરમિયાન તેઓ સાબરમતીમાં કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કરશે. તેમજ વડાપ્રધાન રાજસ્થાનના પોખરણમાં ત્રણેય સેવાઓની ‘ભારત શક્તિ’ કવાયતનું પણ અવલોકન કરશે. આ સિવાય એક મોટા સમાચાર એ પણ છે કે ભાજપ આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. આ સાથે જ કોંગ્રેસ પણ આજે લોકસભા ચૂંટણી માટે બીજી યાદી પણ જાહેર કરી શકે છે. એવા પણ સમાચાર છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આજે ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડની સંપૂર્ણ માહિતી સોંપશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સ્ટેટ બેંક પાસેથી મળેલી માહિતીને 15 માર્ચની સાંજ સુધીમાં તેની વેબસાઈટ પર પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો છે.
ભાજપની બીજી યાદી આજે જાહેર થઈ શકે છે
ભાજપ આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 100 નામોને મંજૂરી આપવામાં આવી છે. પીએમ મોદી અને અમિત શાહની હાજરીમાં મોડી રાત્રે નામો પર વિચારણા કરવામાં આવી હતી.
કોંગ્રેસ પણ આજે બીજી યાદી બહાર પાડી શકે છે
કોંગ્રેસ આજે લોકસભા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી શકે છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, રાજસ્થાનની 12 અને મધ્ય પ્રદેશની 11 સીટો પર કોંગ્રેસ પક્ષના નામ ફાઈનલ થઈ ગયા છે. કમલનાથ, દિગ્વિજય, અશોક ગેહલોત અને સચિન પાયલટ ચૂંટણી નહીં લડે. કમલનાથ અને અશોક ગેહલોતના પુત્રની ટિકિટ કન્ફર્મ હોવાનું કહેવાય છે.