ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ફ્લાઇટમાં 153 પેસેન્જર્સને ભગવાન ભરોસે મૂકીને બંને પાયલોટ સૂઈ ગયા, આંખ ખુલી તો હોશ ઉડી ગયા

જકાર્તા (ઇન્ડોનેશિયા), 11 માર્ચ: કલ્પના કરો કે તમે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છો અને તમને ખબર પડે કે પ્લેન ઉડાડનારા બંને પાયલોટ સૂઈ રહ્યા છે! આવું જ કંઈક ઈન્ડોનેશિયામાં થયું છે. અહીં બાટિક એરની ફ્લાઇટ દરમિયાન બંને પાયલોટ લગભગ અડધા કલાક સુધી સૂતા રહ્યા. આ દરમિયાન પ્લેનમાં 153 મુસાફરો હતા. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી કમિટિ દ્વારા કરાયેલી આ ઘટનાની પ્રાથમિક તપાસમાં બંને પાયલોટ એક સાથે સૂઈ ગયા હોવાની હકીકત સામે આવી છે. રિપોર્ટ અનુસાર, પાયલોટ અને કૉ-પાયલોટ 28 મિનિટ સૂઈ ગયા હતા.

અઢી કલાકની ફ્લાઇટ દરમિયાન પાયલોટ અડધો કલાક ઊંઘતો રહ્યો

આ ઘટના 25 જાન્યુઆરીના રોજ દક્ષિણ પૂર્વ સુલાવેસીથી જકાર્તા જઈ રહેલા બાટિક એરના એરબસ A320 પ્લેનમાં બની હતી. આ ઘટના બાદ ઘણી નેવિગેશનલ ભૂલો પણ શોધી કાઢવામાં આવી છે. આ ફ્લાઇટ 2 કલાક અને 35 મિનિટની હતી. સદનસીબે, વિમાનમાં સવાર કોઈપણ મુસાફરો અથવા ચાર ફ્લાઈટ એટેન્ડન્ટને કોઈ ઈજા થઈ ન હતી. આ મામલે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ બાટિક એરને સખત ઠપકો આપ્યો છે અને એરલાઈન્સને સ્પષ્ટ કહ્યું છે કે ફ્લાઇટ દરમિયાન પોતાના ક્રૂ પ્રત્યેની લાપરવાહી જરાય ચલાવી લેવામાં નહીં આવે. મંત્રાલયે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.

પાયલોટ ફ્લાઇટ પહેલા આરામ કરી શક્યો ન હતો!

એક રિપોર્ટ અનુસાર, સેકન્ડ ઇન કમાન્ડ પાયલોટે પહેલાથી જ પાયલોટને જાણ કરી દીધી હતી કે, તેણે ઠીકથી આરામ કર્યો નથી. સેકન્ડ ઇન કમાન્ડે તેના કેપ્ટનને ટેકઑફના 90 મિનિટ બાદ ટૂંકા વિરામની પરમિશન લીધી હતી. તપાસ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, કૉ-પાયલોટ પ્લેનને કંટ્રોલ કરી લીધો હતો પરંતુ થોડા સમય બાદ તે પણ ઊંઘી ગયો હતો. સેકન્ડ ઇન કમાન્ડના જોડિયા બાળકો છે જે ફક્ત એક મહિનાના છે, આ કારણે બાળકોની દેખભાળ રાખવામાં પાયલોટને બરાબર રીતે આરામ મળ્યો નહીં અને તે સૂઈ ગયો હતો.

જ્યારે બંને પાયલોટ ઊંઘી ગયા ત્યારે પાયલોટનું છેલ્લું ટ્રાન્સમિશન જોતા 12 મિનિટ સુધી જકાર્તા એરિયા કન્ટ્રોલ સેન્ટર પ્લેન સાથે સંપર્ક કરવાની કોશિશ કરતા રહ્યા પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. લગભગ 28 મિનિટ બાદ જ્યારે એક પાયલોટની આંખ ખુલી તો વિમાન સાચા માર્ગે ઊડી રહ્યું ન હતું. ત્યારબાદ તેણે તેના કૉ-પાયલોટને જગાડ્યો અને કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કર્યો. ખોટા રૂટ પર જવા પર અને પ્રશ્નોના જવાબ ન આપવા પર પાયલોટે કંટ્રોલ સેન્ટરને કહ્યું હતું કે, ફ્લાઇટ દરમિયાને રેડિયો કોમ્યુનિકેશનમાં ખામી આવી હતી. પાયલોટે કહ્યું હતું કે, સમસ્યા હવે ઠીક થઈ ગઈ છે.

આ પણ વાંચો: VIDEO: રોષે ભરાયેલા પેસેન્જરે ફ્લાઇટમાં અનાઉસેમન્ટ કરતાં પાયલટને મુક્કો માર્યો

 

 

Back to top button