ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિવાદિત નિવેદનબાજી કરનારા આ 4 સાંસદોનું ભાજપે પત્તું કાપ્યું

નવી દિલ્હી, 03 માર્ચ: ભારતીય જનતા પાર્ટીએ 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 195 ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે પ્રથમ યાદીમાં જ 33 વર્તમાન સાંસદોનું પત્તુ કાપીને નવા ચહેરા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં રહેલા ઘણા સાંસદોને આ વખતે ટિકિટ પણ આપી નથી. જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહના પુત્ર પ્રવેશ વર્મા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હજારીબાગના સાંસદ જયંત સિંહા, દક્ષિણ દિલ્હીના સાંસદ રમેશ બિધુરી અને ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુર સામેલ છે. મહત્ત્વનું છે કે બિધુરીએ સંસદમાં વિવાદિત નિવેદન આપ્યું હતું.

ભાજપે દિલ્હીમાંથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ટિકિટ રદ્દ કરી

ભાજપે દિલ્હીમાં અત્યાર સુધીમાં પાંચ ઉમેદવારોની યાદી બહાર પાડી છે. એક બેઠક છોડીને બાકીની તમામ બેઠક પર નવા ચહેરાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે દિલ્હીની ચાંદની ચોક સીટ પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનનું પત્તું કપાયું છે, તેમના સ્થાને પ્રવીણ ખંડેલવાલ અહીંથી ચૂંટણી લડશે. પ્રવેશ વર્માની જગ્યાએ કમલજીત સેહરાવત પશ્ચિમ દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડશે. નવી દિલ્હી લોકસભા સીટ પરથી મીનાક્ષી લેખીની જગ્યાએ ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે દક્ષિણ દિલ્હીમાં રમેશ બિધુરીની જગ્યાએ રામવીર બિધુરી પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

જેની ટિકિટ કેન્સલ કરવામાં આવી છે તેમાં એક નામ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું છે. 2019માં તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને મોટા અંતરથી હરાવ્યા હતા. જો કે આ પછી તે સતત વિવાદિત નિવેદનો આપતા રહ્યા. 2019 પહેલા પણ તેમણે શહીદ હેમંત કરકરેને લઈને નિવેદન આપ્યું હતું, જેના પર ભારે હંગામો મચ્યો હતો. તેમણે કરકરેની સરખામણી રાવણ અને કંસ સાથે કરી હતી. પ્રજ્ઞા ઠાકુરે નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. જો કે, બીજેપીએ પણ તેમના નિવેદનના કારણે અંતર બનાવીને રાખ્યું છે.

દાનિશ અલી પર વિવાદિત ટિપ્પણી કરતાં રમેશ બિધુરીનું પત્તુ કપાયું

રમેશ બિધુરી વિશે વાત કરીએ તો તેમણે ગૃહમાં સાંસદ દાનિશ અલી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો. તેમના નિવેદનને સંસદની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે તેમના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો હતો. પશ્ચિમ દિલ્હીના સાંસદ પ્રવેશ વર્માએ એક ખાસ સમુદાયના બહિષ્કારને લઈને નિવેદન આપ્યું હતું. તો, હજારીબાગના સાંસદ જયંત સિન્હાની વાત કરીએ તો તેમણે જેપી નડ્ડાને સંદેશો મોકલીને કહ્યું હતું કે તેઓ ચૂંટણી લડવા માંગતા નથી. તેમનું નામ ઝારખંડના રામગઢમાં માંસના વેપારીની લિંચિંગમાં સામેલ વ્યક્તિની કાનૂની ફી ચૂકવવાના કેસમાં સામે આવ્યું હતું. જ્યારે તેમણે આ કબૂલ્યું ત્યારે તે ઘણા વિવાદમાં આવ્યા હતા. જ્યારે આરોપીઓને જામીન મળ્યા ત્યારે જયંત સિંહાએ પણ તેમનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો: લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતના 15 ઉમેદવારો જાહેર કર્યા, જાણો કોણ કપાયું

Back to top button