ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંદેશખલી કેસમાં શાહજહાં શેખને કોર્ટનો ઝટકો, 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

  • પોલીસે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની કરી હતી માગણી
  • કોર્ટે શાહજહાં શેખની જામીન અરજી ફગાવી દીધી હતી

પશ્ચિમ બંગાળ, 29 ફેબ્રુઆરી: જાન્યુઆરી મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર હુમલો કરવાના મુખ્ય આરોપી શાહજહાં શેખની પશ્ચિમ બંગાળ પોલીસે ધરપકડ કરી હતી અને ગુરુવારે બસીરહાટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે શાહજહાં શેખને 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. એટલું જ નહીં, કોર્ટે શાહજહાં શેખની જામીન અરજી ફગાવી દીધી હતી. આ દરમિયાન પોલીસે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.

 

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં મહિલાઓની જાતીય સતામણી અને જમીન હડપ કરવાના આરોપી તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખની 55 દિવસ પછી ગુરુવારે સવારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખલીથી લગભગ 30 કિમી દૂર મિનાખાનમાં એક ઘરમાંથી શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી હતી. ટીએમસી નેતા શાહજહાં શેખ કેટલાક સહયોગીઓ પણ તેની સાથે તે ઘરમાં છુપાયેલા હતા.

આ મામલે રાજ્યપાલ અને પોલીસે શું કહ્યું?

રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે સોમવારે રાત્રે રાજ્ય સરકારને શેખની ધરપકડ કરવા માટે 72 કલાકની સમયમર્યાદા આપી હતી. રાજ્યપાલે કહ્યું હતું કે, ‘અંધકાર પછી ચોક્કસ પ્રકાશ છે.’ એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, શેખને તેના મોબાઇલ ફોનના “લોકેશન” દ્વારા ટ્રેસ કરવામાં આવ્યો હતો. શેખ સમયાંતરે પોતાનું સ્થાન બદલતો હતો. તેના મોબાઈલ ફોન ટાવરના ‘લોકેશન’ દ્વારા તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ ટી.એસ. શિવગનમની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે બુધવારે કહ્યું હતું કે, “ શાહજહાં શેખ લાંબા સમયથી ફરાર છે તે ધ્યાનમાં રાખીને, પશ્ચિમ બંગાળ પોલીસ સિવાય, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ તેની ધરપકડ કરી શકે છે. ” હાઇકોર્ટે સોમવારે રાજ્ય પોલીસને તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.

શાહજહાં શેખ વિરુદ્ધ 100થી વધુ ફરિયાદો અને ધરપકડની માંગ

પોલીસે જણાવ્યું કે, “છેલ્લા કેટલાક સપ્તાહમાં શેખ વિરુદ્ધ 100થી વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન તેની ધરપકડની માંગ સાથે મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.” તેમણે કહ્યું કે, “શેખ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376D (સામૂહિક બળાત્કાર) અને 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.”

શેખના સાગરીતોણી પણ થઈ ચૂકી છે ધરપકડ

અગાઉ શેખના નજીકના સહયોગી શિવપ્રસાદ હઝરા અને ઉત્તમ સરદારની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય તેના અન્ય સહયોગી અજીત મૈતીની પણ જમીન હડપ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મોટાભાગના ફરિયાદીઓએ દાવો કર્યો હતો કે શાહજહાંએ લોકોની જમીન પર અતિક્રમણ કર્યું હતું અને વિસ્તારની મહિલાઓ પર અત્યાચાર કર્યો હતો.

5 જાન્યુઆરીના રોજ, પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં આશરે એક હજાર લોકોના ટોળાએ ED અધિકારીઓ પર હુમલો કર્યો જ્યારે તેઓ રાજ્યમાં કથિત રાશન વિતરણ કૌભાંડની તપાસના સંદર્ભમાં શેખના પરિસરમાં દરોડા પાડવા આવ્યા હતા.

આ પણ જુઓ: મહાઠગ સુકેશ ચંદ્રશેખર અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડશે! પત્રમાં કર્યા અનેક ખુલાસા

Back to top button