LICનું માર્કેટ કેપ રૂ. 7 લાખ કરોડને પાર, 5મી સૌથી મોટી કંપની બની
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, એચડીએફસી બેંક, ઈન્ફોસીસ પછી LIC દેશની સૌથી મોટી કંપની બની
મુંબઈ, 9 ફેબ્રુઆરી: LICના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં કંપનીના શેર 6 ટકાના ઉછાળા સાથે ખુલ્યા હતા. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં શેર રૂ.1175ની ટોચે પહોંચ્યો હતો. જેના કારણે કંપનીની માર્કેટ કેપ વધીને રૂ. 6.99 લાખ કરોડ થઈ ગઈ છે. વધતા માર્કેટ કેપની સાથે જ LIC દેશની પાંચમી સૌથી મોટી કંપની બની ગઈ છે.
હાલમાં, માર્કેટ કેપની દ્રષ્ટિએ એલઆઈસી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, એચડીએફસી બેંક, ઈન્ફોસીસ પછી LIC દેશની સૌથી મોટી કંપની છે. કંપનીનું માર્કેટ કેપ SBI અને ITC જેવી કંપનીઓ કરતા વધુ થઈ ગયું છે.
LICના શેરમાં ઉછાળો
તાજેતરમાં જ LICના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. LIC એ છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં 12.84 ટકા રિટર્ન આપ્યું છે. LICના શેરે તેના રોકાણકારોને એક મહિનામાં 30 ટકા, છ મહિનામાં 68 ટકા અને એક વર્ષમાં 77 ટકા વળતર આપ્યું છે. તે જ સમયે, આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં શેરના ભાવમાં 26.33 ટકાનો વધારો થયો છે.
LICની પ્રીમિયમ આવક વધીને 1.17 લાખ કરોડ થઈ
ગુરુવારે એલઆઈસી દ્વારા ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા દરમિયાન રૂ. 9,441 કરોડનો નફો નોંધાવ્યો છે. કંપનીની પ્રીમિયમ આવક વધીને 1.17 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન નવા પ્રીમિયમમાંથી રૂ. 13,163 કરોડની આવક થઈ છે. કંપનીની AUM વધીને 49.66 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગયા નાણાકીય વર્ષમાં તેનું મૂલ્ય 44.34 લાખ કરોડ રૂપિયા હતું. 11.98 ટકાનો વધારો થયો છે. કંપની દ્વારા શેર દીઠ રૂ. 4નું ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: હવાઈ ભાડાં નિયમન પર સંસદીય પેનલના પ્રસ્તાવને કારણે કઈ વિમાની કંપનીઓના શૅર તૂટ્યા?