અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

રાણકી વાવ ખાતે પહેલી જાન્યુઆરીએ એક સાથે 500 લોકો કરશે સૂર્ય નમસ્કાર

  • પાટણ જિલ્લામાં નવા વર્ષની પ્રથમ સવાર થશે સૂર્ય નમસ્કારની સાથે
  • કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં થશે સૂર્યની ઉપાસના

પાટણ, 31 ડિસેમ્બર, 2023: પાટણ જિલ્લામાં રાણકી વાવ અને સરદાર પટેલ રમત-ગમત સંકુલ ખાતે એકસાથે સ્પર્ધકો સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરશે. સૂર્ય નમસ્કાર એટલે સૂર્યની ઉપાસના. સૂર્ય નમસ્કાર જેને ધ અલ્ટીમેટ આસન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક જ આસન એવું છે કે જેનો અભ્યાસ કરવાથી સાધકને સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પહોંચે છે. આ આસન દરેક લોકો સુધી પહોંચે તેવા ઉદેશ્ય સાથે સરકાર દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તા.01 ડિસેમ્બર 2023 થી 1 જાન્યુઆરી 2024 સુધી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત સૌ પ્રથમ રાજ્યમાં ગ્રામ્ય, શાળા, વોર્ડ કક્ષાએથી લઈને જિલ્લા, મહાનગરપાલિકા તથા રાજ્ય કક્ષા સુધી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક લોકો સહભાગી થઈ રહ્યા છે.

રાણકી વાવ- HDNews
રાણકી વાવ-ફોટોઃ https://whc.unesco.org/

પાટણ જિલ્લાના નાગરિકો પણ આ સ્પર્ધામાં સહભાગી થઈ રહ્યા છે. સૌ પ્રથમ ગ્રામ્યકક્ષાએ ત્યારબાદ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકોએ રાજ્યકક્ષાએ ભાગ લીધો. અને ત્યારબાદ વર્ષના પ્રથમ દિવસે તા.1 જાન્યુઆરી 2024ના રોજ રાજ્યના દરેક જિલ્લામાં રાજ્યકક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકો મોઢેરા સૂર્યમંદિર ખાતે સૂર્યની ઉપાસના કરશે. પાટણ જિલ્લામાં રાણકી વાવ અને સરદાર પટેલ રમત-ગમત સંકુલ ખાતે એકસાથે સ્પર્ધકો સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરશે. તમામ જિલ્લાઓમાં પ્રતિષ્ઠિત જગ્યાઓએ કુલ 107 કાર્યક્રમ એમ કુલ 108 સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં થનાર આ આયોજનો થકી એક સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરવા અંગે વર્લ્ડ રેકોર્ડ નોંધાવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

રાણકી વાવ ખાતે કેબીનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની વિશેષ ઉપસ્થિતીમાં સૂર્યની ઉપાસના થશે. પાટણ જિલ્લામાં તમામ કક્ષાએ ભાગ લીધેલા કુલ 20453 સ્પર્ધકોમાંથી 500 સ્પર્ધકો રાણકી વાવ ખાતે અને 100 સ્પર્ધકો સરદાર પટેલ રમત-ગમત સંકુલ ખાતે સૂર્યનમસ્કાર કરશે. 20453 માંથી 6 વિજેતાઓ 30 ડિસેમ્બરના રોજ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો છે.

આ પણ વાંચોઃ કેબિનેટ મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો આરંભ કરાવ્યો, 8.53 લાખ સ્પર્ધકો જોડાયા

પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને સૂર્ય નમસ્કારની સ્પર્ધા અંગે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં એક જ દિવસે કુલ 107 કાર્યક્રમ એમ કુલ 108 સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણમાં ગ્રામ્ય તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંથી છ લોકોને રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે અમદાવાદ મોકલવામાં આવ્યા છે. તા.01 જૂન 2024 ના રોજ પાટણની રાણકી વાવ તેમજ રમતગમત સંકુલ ખાતે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. હું જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરુ છુ કે, તમામ લોકો સમયબદ્ધ બને અને સૂર્ય નમસ્કારને પોતાના જીવનમાં સ્થાન આપે.

બપોર સુધીના તમામ અગત્યના સમાચાર જૂઓ HD News ની યૂટ્યુબ ચૅનલ ઉપર, અહીં નીચે ક્લિક કરોઃ

Back to top button