BSPએ લોકસભા સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા, જાણો શું છે કારણ ?
- લોકસભા સાંસદ દાનિશ અલીને બસપાએ સસ્પેન્ડ કર્યા, તેમના પર પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ.
- બસપાના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ એક પત્ર લખીને આપી જાણકારી.
લખનૌ, 09 ડિસેમ્બર: અમરોહાથી લોકસભા સાંસદ દાનિશ અલીને બસપાએ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ અંગે બીએસપીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ એક પત્ર જારી કરીને કહ્યું કે, ‘તમને ઘણી વખત મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું કે તમે પાર્ટીની નીતિઓ, વિચારધારા અને અનુશાસનની વિરુદ્ધ કોઈ નિવેદન અથવા કામ ન કરો, પરંતુ તેમ છતાં તમે સમર્થન કરવાનું ચાલુ રાખ્યું છે. પક્ષના હિતમાં તમને બહુજન સમાજ (BSP) પાર્ટીના સભ્યપદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે’.
કોંગ્રેસની સાથે રહેવુ મોંઘુ પડ્યું !
અહેવાલો અનુસાર, દાનિશ કોંગ્રેસની નજીક જતા જોવા મળ્યા હતા. સાથે જ કોંગ્રેસ પણ તેમના તરફ નમતી જોવા મળી રહી હતી. ત્યારે BSP સુપ્રીમો માયાવતી દ્વારા દાનિશને પાર્ટીમાંથી હાંકી કાઢવાનું આ એક મહત્વનું કારણ પણ માનવામાં આવી રહ્યું છે.
રમેશ બિધુરીના વિવાદ બાદ દાનિશ ચર્ચામાં આવ્યા હતા
21 સપ્ટેમ્બર, 2023ના રોજ ભાજપના સાંસદ રમેશ બિધુરીએ સંસદમાં દાનિશ અલી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. બિધુરીએ તેમના વિશે વાંધાજનક વાતો કહ્યા બાદ દાનિશ ચર્ચામાં આવ્યા હતા. દાનિશ અલીએ આ મામલે સંસદની વિશેષાધિકાર સમિતિને ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો: ઝારખંડ: કોંગ્રેસના સાંસદ સાહૂ પાસેથી અત્યાર સુધી 300 કરોડ રિકવર કરાયા, ગણતરી ચાલુ