ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઝારખંડ: કોંગ્રેસના સાંસદ સાહૂ પાસેથી અત્યાર સુધી 300 કરોડ રિકવર કરાયા, ગણતરી ચાલુ

  • કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઘરે ચોથા દિવસે પણ આવકાર વિભાગના દરોડા ચાલુ.
  • 300 કરોડોથી વધુની રોકડ રકમ ઝડપી, હજી વધુ રકમ મળે તેવી શક્યતા.
  • ધીરજ સાહુની ધરપકડની માંગ ઉઠી.

ઝારખંડ, 09 ડિસેમ્બર: કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઘર પર આવકવેરા વિભાગના દરોડા સતત ચોથા દિવસે પણ ચાલુ છે. ઓડિશા અને ઝારખંડમાં ધીરજ સાહુના અલગ-અલગ સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડામાં વધુ સમય લાગી શકે છે. આવકવેરા વિભાગને વધુ કેટલીક એવી જગ્યાઓ વિશે માહિતી મળી છે જ્યાં રોકડ અને જ્વેલરી હોઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ 6-7 રૂમ એવા છે જેની તપાસ કરવાની બાકી છે. તેમજ 9 લોકર ખોલવાના બાકી છે. જ્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમાં મર્ક્યુરી ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની અને તેની સાથે સંકળાયેલ જગ્યાઓ છે. મર્ક્યુરી ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ એ દારૂનું ઉત્પાદન કરતી કંપની છે. આ કંપની કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુની હોવાનું કહેવાય છે. આવકવેરા વિભાગે કરચોરીના આરોપમાં આ દરોડા પાડ્યા છે.

પીએમ મોદીએ પણ સાધ્યુ નિશાન

વડાપ્રધાન મોદીએ પણ ધીરજ સાહુના પરિસરમાં દરોડા અંગે નિવેદન આપ્યું છે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જનતા પાસેથી લૂંટાયેલા પૈસા પરત કરવા પડશે. વડાપ્રધાને ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું, “દેશવાસીઓએ આ ચલણી નોટોના ઢગલા પર નજર નાખવી જોઈએ અને પછી તેમના નેતાઓના પ્રામાણિક ‘ભાષણો’ સાંભળવા જોઈએ… જનતા પાસેથી જે લૂંટવામાં આવી છે તેનો એક-એક પૈસો પાછો આપવો પડશે. આ મોદીની ગેરંટી છે.

આવકવેરા વિભાગે સંબલપુર, બોલાંગીર, તિતિલાગઢ, બૌધ, સુંદરગઢ, રાઉરકેલા અને ભુવનેશ્વરમાં દરોડા પાડ્યા હતા. દારૂનો વેપાર કરતી કંપનીએ હજુ સુધી દરોડા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આવકવેરા વિભાગની ટીમે ભુવનેશ્વરના પલાસાપલ્લીમાં કંપનીની કોર્પોરેટ ઓફિસમાં પણ સર્ચ કર્યું હતું. આ ઉપરાંત કંપનીના કેટલાક અધિકારીઓના ઘર, કંપનીની ફેક્ટરી અને ઓફિસ અને રાણીસતી રાઇસ મિલમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

પૂર્વ આવકવેરા વિભાગના કમિશનર શરત ચંદ્ર દાસે કહ્યું હતું કે ઓડિશામાં આવકવેરા વિભાગ દ્વારા આ અત્યાર સુધીની સૌથી મોટી રોકડ જપ્તી હોઈ શકે છે. શરતચંદ્ર દાસે કહ્યું કે, મેં રાજ્યમાં આટલી મોટી રકમની રિકવરી ક્યારેય જોઈ નથી.

ધરપકડ કરવા માંગ ઉઠી છે

બીજી તરફ બીજેપીના ઝારખંડ યુનિટના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ ધીરજ સાહુની ધરપકડની માંગ કરી છે. મરાંડીએ માંગ કરી હતી કે સાહુ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે અને તેની ધરપકડ કરવામાં આવે. તેમણે આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરી અને આરોપ લગાવ્યો કે આ રકમ કોંગ્રેસના ટોચના નેતૃત્વ તેમજ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે સંબંધ ધરાવે છે.

આ પણ વાંચો: યુવાનોને બચાવવા જરૂરી, ડ્રગ માફિયાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ- CM યોગી આદિત્યનાથ

Back to top button