ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રેવંત રેડ્ડી બન્યા તેલંગાણાના નવા મુખ્યમંત્રી, 11 મંત્રીઓએ લીધા શપથ

Text To Speech

હૈદરાબાદ (તેલંગાણા), 07 ડિસેમ્બર:  તેલંગાણા કોંગ્રેસ વિધાનસભા પક્ષ (CLP)ના નેતા રેવંત રેડ્ડીએ રાજ્યના બીજા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રેવંત રેડ્ડીની સાથે 11 મંત્રીઓએ પણ શપથ લીધા છે. આ શપથ ગ્રહણ સમારંભ હૈદરાબાદના વિશાળ લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં યોજાયો હતો. શપથ ગ્રહણ સમારંભમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર જોડાયા હતા. શપથ ગ્રહણ કાર્યક્રમમાં લગભગ એક લાખ લોકોએ હાજરી આપી હતી.

રેવંત રેડ્ડીની સાથે મલ્લુ ભટ્ટી વિક્રમાર્કાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ ઉપરાંત નલમદા ઉત્તમ કુમાર રેડ્ડી, સી. દામોદર રાજનરસિમ્હા, કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડી, એસ. દુદિલ્લા શ્રીધર બાબુ, પોંગુલેબ શ્રીનિવાસ રેડ્ડી, પોનમ પ્રભાકર, સોટ. કોંડા સુરેખા, ડી. અનસૂયા સીથાક્કા, તુમ્માલા નાગેશ્વર રાવ, કૃષ્ણા રાવ અને ગદ્દમ પ્રસાદ કુમારે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.

વડાપ્રધાન મોદીએ રેવંત રેડ્ડીને અભિનંદન પાઠવ્યા

રેવંત રેડ્ડી તેલંગાણાના મુખ્યમંત્રી બનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે X પર પોસ્ટ લખતા જણાવ્યું કે, તેલંગાણાને તમામ સંભવિત સમર્થનની ખાતરી આપવામાં આવશે.

તેલંગાણામાં પહેલીવાર કોંગ્રેસની સરકાર બની

2 જૂન, 2014ના રોજ તેલંગાણા રાજ્યને આંધ્રપ્રદેશથી અલગ કરવામાં આવ્યું હતું. રાજ્યની રચના થઈ ત્યારથી કે ચંદ્રશેખર રાવ સતત બે ટર્મ સુધી મુખ્યમંત્રી રહ્યા. આ વખતે કોંગ્રેસે તેમને હેટ્રિક કરવા દીધી ન હતી. 2023 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો જંગી વિજય થયો છે. તેલંગાણામાં 119 બેઠકોમાંથી કોંગ્રેસને 64 બેઠકો મળી હતી જ્યારે BRS માત્ર 39 બેઠકો સુધી જ સીમિત રહી હતી.

આ પણ વાંચો: રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણના અહેવાલ! કોટા વિભાગના ધારાસભ્યો બાખડ્યા?

Back to top button