બેંગ્લોરમાં એક સાથે 15 શાળાઓમાં બોમ્બની ધમકી, સર્ચ ઓપરેશન શરૂ
- બેંગ્લોરની લગભગ 15 શાળાઓમાં એક ઈમેલ આવ્યો છે
- આ ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે શાળાના પરિસરમાં બોમ્બ મુકવામાં આવ્યા છે
- માહિતી મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને શાળાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
બેંગ્લોર, 1 ડિસેમ્બર: શુક્રવારે વહેલી સવારે બેંગ્લોરમાં પોલીસ વિભાગની ઊંઘ ઊડી ગઈ. પોલીસને શહેરની 15 શાળાઓમાં એક સાથે બોમ્બ હોવાના સમાચાર મળ્યા હતા. આ સમાચાર ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યા હતા. ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે, શાળાના પરિસરમાં બોમ્બ મુકવામાં આવ્યા છે. આ માહિતી મળતા જ પોલીસ સતર્ક થઈ છે. આ ધમકી બાદ પોલીસ સતત શાળાઓમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
પોલીસે શું કહ્યું?
બેંગ્લોર પોલીસે માહિતી આપી હતી કે બેંગ્લોરની લગભગ 15 શાળાઓમાં ઈમેલ આવ્યો છે. આ ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે શાળાના પરિસરમાં બોમ્બ મુકવામાં આવ્યો છે. ઈમેલ મળતાની સાથે જ પ્રશાસને કોઈ મોટી ઘટનાની આશંકા વ્યક્ત કરી અને તરત જ પોલીસને માહિતી મોકલી. મામલાની ગંભીરતા સમજીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી શાળાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
શું માહિતી ખોટી છે?
પોલીસે કહ્યું છે કે, ધમકીભર્યા ઈમેલ બાદ તેઓ તમામ શાળાઓની શોધ કરી રહ્યા છે. સર્ચ ઓપરેશનમાં હજુ સુધી પોલીસને કંઈ મળ્યું નથી. પોલીસે અનુમાન લગાવ્યું છે કે, આ માહિતી ફેક કોલ જેવી લાગે છે. આ વર્ષની શરૂઆતમાં પણ બેંગ્લોરની ઘણી શાળાઓને સમાન ઈમેલ ધમકીઓ મળી હતી પરંતુ તે બધી અફવા હોવાનું તેમણે જણાવ્યું હતું. જો કે, તેમ છતાં પોલીસે શોધખોળ ચાલુ રાખી છે.
મુંબઈમાં પણ ધમકી મળી હતી
ગયા રવિવારે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને એક ફોન કોલ આવ્યો હતો જેમાં કોલ કરનારે દાવો કર્યો હતો કે આતંકવાદીઓ મુંબઈમાં ઘૂસ્યા છે. ફોન કરનારે કહ્યું હતું કે, માનખુર્દના એકતા નગર વિસ્તારમાં 2-3 આતંકીઓ છે. જો કે, જ્યારે પોલીસે ફોન કરનારની માહિતીની ખરાઈ કરી તો તે ખોટી નીકળી. પોલીસને ફોન કરનાર વ્યક્તિ નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી કાર્યવાહી કરીને, મુંબઈ પોલીસે ફોન કરનારની અટકાયત કરી હતી.
આ પણ વાંચો, અમદાવાદ મ્યુનિસિપલ હદ વિસ્તારમાં લાઈસન્સ વિનાના ઢોર પકડાશે તો પશુ માલિક પર કાર્યવાહી થશે