દિલ્હી સરકારે RRTS પ્રોજેક્ટ માટે 415 કરોડ રૂપિયા જારી કર્યા, SCના ઠપકા પછી કાર્યવાહી
- ‘જાહેરાત માટે 500 કરોડ રૂપિયા છે પરંતુ વિકાસ માટે નહીં’: સુપ્રીમ કોર્ટ
- કોર્ટના ઠપકા બાદ દિલ્હી સરકારે પ્રોજેક્ટ માટે 415 કરોડ રુપિયા જારી કર્યા.
દિલ્હી, 28 નવેમ્બર: સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને રેપિડ રેલ પ્રોજેક્ટ (RRTS) માટે તેનો હિસ્સો ચૂકવવાના આદેશનું સંપૂર્ણ અમલીકરણ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. SCના નિર્દેશ બાદ દિલ્હી સરકારે રેપિડ રેલ પ્રોજેક્ટ (RRTS) માટે બાકી રહેલ રકમની ચુકવણી કરી છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને તેના હિસ્સાની સંપૂર્ણ ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો અને સુનાવણી 7 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજય કિશન કૌલે ફરી એકવાર દિલ્હી સરકારના વલણ પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે ‘તમે જાહેરાત માટે બજેટમાં 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકો છો, પરંતુ તમે રેપિડ રેલ પ્રોજેક્ટ યોજના માટે 400 કરોડ રૂપિયાની જોગવાઈ નથી કરી શકતા’.
કોર્ટે કહ્યું કે જાહેરાત માટે ખર્ચ કરી શકાય તો વિકાસ માટે પણ થઈ જ શકે…
આ કેસની છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હીની AAP સરકાર પર આકરી ટીપ્પણી કરી હતી અને કહ્યું હતું કે ‘જો છેલ્લા ત્રણ વર્ષમાં જાહેરાતો માટે 1100 કરોડ રૂપિયા ખર્ચી શકાતા હોય, તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે પણ ખર્ચો થઈ શકે છે’. જોકે, ત્યાર બાદ દિલ્હી સરકારે રેપિડ રેલ પ્રોજેક્ટ માટે બાકી રહેલ રકમની ચૂકવણી કરી છે.
દિલ્હી સરકારે વર્ષ 2020થી 2023 દરમિયાન જાહેરાતો પર 1073.16 કરોડ રુપિયા ખર્ચા
દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે 2020 થી 2023 દરમિયાન જાહેરાતો પર 1073.16 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. 2020-21માં જાહેરાત પાછળ રૂ. 296.89 કરોડ, 2021-22માં રૂ. 579.91 કરોડ અને 2022-23માં રૂ. 196.36 કરોડ ખર્ચાયા હતા. દિલ્હી સરકારે તેના સોગંદનામામાં આ ખર્ચનો બચાવ કરતા કહ્યું કે આ ખર્ચ સરકારી નીતિઓના પ્રચાર માટે વ્યાજબી અને આર્થિક છે. આ ખર્ચ કોઈપણ રીતે અન્ય રાજ્યોની જાહેરાતો કરતા વધારે નથી.
આ પણ વાંચો: 27 વર્ષની કેદની સજા બાદ કોર્ટે એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો! જાણો શા માટે ?