લાભ પાંચમ એટલે દિવાળીના તહેવારની પુર્ણાહૂતિઃ જાણો ધંધાનું મુહૂર્ત
- કારતક મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ 17 નવેમ્બર 2023ના રોજ સવારે 11:03 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 18 નવેમ્બર 2023ના રોજ સવારે 09:18 વાગ્યે સમાપ્ત થશે. તેથી 18 નવેમ્બરના રોજ લાભ પંચમીની ઉજવણી કરવામાં આવશે.
લાભ પાંચમને સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમને ભારતમાં દીપાવલીના છેલ્લા તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ કારણસર કોઈ વ્યક્તિ દિવાળીના દિવસે પૂજા ન કરી શકે તો આ દિવસ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ છે. આ દિવસે મા શારદાનું પણ પૂજન કરવામાં આવે છે.
ક્યારે ઉજવાશે લાભ પાંચમ?
આ વર્ષે લાભ પાંચમ 18 નવેમ્બર શનિવારે છે. ગુજરાતમાં આ તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. બિઝનેસ કરનારા લોકો આ દિવસે શુભ મુહુર્તમાં તેમના વેપાર કે ધંધાના મુહુર્ત કરે છે. આ તારીખ સુખ અને સમૃદ્ધિને વધારે છે અને વેપારીની પ્રગતિ થાય છે. કારતક મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ 17 નવેમ્બર 2023ના રોજ સવારે 11:03 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 18 નવેમ્બર 2023ના રોજ સવારે 09:18 વાગ્યે સમાપ્ત થશે. તેથી 18 નવેમ્બરના રોજ લાભ પંચમીની ઉજવણી કરવામાં આવશે.
લાભ પાંચમનું શું છે મહત્વ?
શાસ્ત્રો અનુસાર, દેવી લક્ષ્મીની સાથે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વેપારમાં ઇચ્છિત લાભ મળે છે. અને શિવ-પાર્વતીની પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિની સાથે જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. પરિવારમાં સૌભાગ્યની સાથે સુખ-શાંતિ રહે છે. આ તહેવાર ગુજરાતમાં ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આ દિવસે વેપારી નવી ખાતાવહી શરૂ કરે છે, ખાતાવહીમાં લાલ કંકુથી શુભ-લાભ લખે છે અને ભગવાન ગણેશનું નામ લખાય છે અને સાથિયો પણ બનાવે છે. આ દિવસે મંત્રો દ્વારા ભગવાન ગણેશનું ધ્યાન કરાય છે. વિધિ વિધાનથી આ પર્વને ઉજવવામાં આવે છે.
આ છે લાભ પાંચમના શુભ મુહૂર્ત
સવારે મુહૂર્ત (શુભ) 08:17 થી 09:40
બપોરે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) 12:25 થી 04:32
સાંજે મુહૂર્ત (લાભ) 05:55 થી 07:32
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) 09:10 થી 02:03 ,
વહેલી સવારે મુહૂર્ત (લાભ) 05:18 થી 06:55
બપોરે 12.25 થી 1.45 (ચલ) માં પેઢી ખોલવી, વિક્રમ સંવત ૨૦૮૦ માર્ચ એન્ડના ચોપડા ખરીદવાનું પણ મુહૂર્ત
લાભપાંચમની પૂજા વિધિ
આ દિવસે લોકો સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કરીને સૂર્ય દેવતાને જળ અર્પણ કરવું. ત્યાર બાદ શુભ મુહુર્તમાં ભગવાન ગણેશ શિવની પૂજા કરવી. ભગવાન ગણેશની પૂજા ચંદન, સિંદૂર, અક્ષત, પુષ્પો, દુર્વાથી કરવી જોઈએ અને ભગવાન આશુતોષ (શિવ)ની પૂજા ભસ્મ, બિલ્વપત્ર, ધતુરા, સફેદ વસ્ત્ર અને અર્પણ કરીને કરવી. ત્યાર બાદ ગણેશજીને પ્રસાદમાં મોદક અર્પણ કરવા અને દૂધની સફેદ વાનગીઓનો શિવજીને ભોગ ધરાવવો. ભોગ-પ્રસાદ ચઢાવ્યા બાદ ભગવાન શિવ અને ગણેશજીની આરતી કરવી. આ દિવસે મંદિરોમાં જઈને ભગવાનની પૂજા અર્ચના કરવી. દિવાળીના તહેવાર ભારતના બીજા ભાગોમાં ભાઈ બીજ સાથે પૂર્ણ થાય છે,પરંતુ ગુજરાતમાં દિવાળીનો તહેવાર લાભ પાંચમની સાથે સમાપ્ત થાય છે.
આ પણ વાંચોઃ ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતના સ્પેસ પ્રોગ્રામનું સન્માન વધ્યું: NASA