નજમા પરવીન PM મોદી પર PhD કરનાર દેશના પ્રથમ મુસ્લિમ મહિલા બન્યા
- વારાણસીમાં એક મુસ્લિમ મહિલાએ પીએમ મોદી પર PhD પૂર્ણ કર્યું
- આમ કરનાર તે દેશના પ્રથમ મુસ્લિમ મહિલા
- નજમાને તેમની PhD પૂર્ણ કરવામાં 8 વર્ષ લાગ્યા
વારાણસી: ધાર્મિક શહેર વારાણસીમાં એક મુસ્લિમ મહિલાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પીએચડી પૂર્ણ કરી છે. આ મહિલાનું નામ નજમા પરવીન છે અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પીએચડી કર્યું છે. નજમા પરવીનને તેમની પીએચડી પૂર્ણ કરવામાં 8 વર્ષ લાગ્યાં. આ પીએચડી પાંચ પ્રકરણોમાં પૂર્ણ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આવનારા સમયમાં નજમા પરવીન એક પુસ્તક પણ લખી રહ્યા છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત છે.
પીએચડીના વિષય તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કરવા પાછળનું કારણ જણાવતાં નજમા કહે છે કે નરેન્દ્ર મોદીએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં ભારતની છબી મજબૂત કરી છે. આજે તેઓ વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સમગ્ર યાત્રા સંઘર્ષોથી ભરેલી છે. તેથી પીએચડીનો આ વિષય ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ પણ હતો. પીએચડીમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત અને રાજકીય જીવનની મુખ્ય ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે અને પીએચડીમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે નરેન્દ્ર મોદીએ ગુજરાતના સીએમ, પછી કાશીથી સાંસદ અને ભારતના વડાપ્રધાન બનવા સુધીની તેમની યાત્રા પૂર્ણ કરી હતી. 2014માં રાજકીય માહોલ કેવી રીતે બદલાયો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકારણની નવી વ્યાખ્યા બનાવી. પીએચડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય ભાષણોનો ભાવાર્થ પણ સામેલ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સાંસદ બન્યા પછી કાશીનો વિકાસ કેવી રીતે થયો તેનો પણ ઉલ્લેખ છે.
દેશના પ્રથમ મુસ્લિમ મહિલા
નજમા પરવીન દેશના પહેલા મુસ્લિમ મહિલા છે જેમણે વડાપ્રધાન મોદી પર રિસર્ચ કર્યું છે. નજમાએ કહ્યું કે તેમણે રિસર્ચ માટે રાજનેતાની પસંદગી કરવાની હતી એટલા માટે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કર્યા. તેમણે કહ્યું કે વડાપ્રધાનને સંશોધનનો વિષય બનાવવા માટે તેમની ટીકા કરવામાં આવે તો તેનાથી તેમને કોઈ વાંધો નથી.
આ પણ વાંચો, રશ્મિકા મંદાનાનો “ડીપફેક” વીડિયો વાયરલઃ બોલિવૂડથી લઈ સરકાર સુધી બધાએ ચિંતા વ્યક્ત કરી