ગુજરાત

ગાંધીનગર ખાતે આયોજિત ત્રિદિવસીય ‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’નો સમાપન સમારોહ યોજાયો

Text To Speech

ગાંધીનગર ખાતે આયોજિત ત્રિદિવસીયવડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો સમાપન સમારોહ યોજાયો. ગુજરાતના ઐતિહાસિક નગર વડનગર ખાતે આગામી વર્ષથી પ્રતિ વર્ષ ત્રિદિવસીય વડનગર ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમ આજે ગુજરાતના મુખ્ય સચિવ પંકજકુમારે મહાત્મા મંદિર ખાતે ‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨’ના સમાપન સત્રમાં જાહેરાત કરતાં કહ્યું હતું.

મુખ્ય સચિવ પંકજકુમારે વડનગરના નગરજનો તેમજ દેશ-વિદેશથી ત્રિદિવસીય કોન્ફરન્સમાં સહભાગી થયેલા મહાનુભાવોને આવકારતાં કહ્યું હતું કે, ૨૫૦૦ વર્ષ જૂના વડનગરના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સમૃદ્ધ વારસાને દેશ-દુનિયા સમક્ષ રજૂ કરવા વડનગર ઉત્સવની ઉજવણી કરાશે. જેમાં વડનગર ખાતે એક દિવસની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ તેમજ બે દિવસનો આંતરરાષ્ટ્રીય તાનારીરી સાંસ્કૃતિક મહોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વડનગરના વિવિધ સાંસ્કૃતિક બૌદ્ધ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરતું રૂ. ૨૦૦ કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે. જેના પરિણામે વડનગરનો ચતુર્મુખી વિકાસ થશે અને દેશનું મહત્વનું ઐતિહાસિક સ્થળ બનશે. વિશ્વભરના દેશો સહિત અન્ય રાજ્યોના પુરાત્વવિદો અને પ્રવાસીઓ પણ વડનગરની મુલાકાતે આવશે જેના પરિણામે સ્થાનિકકક્ષાએ રોજગારીની વ્યાપક તકોનું નિર્માણ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.   

તેમણે કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વડનગર સહિત ભારતભરના પ્રાચીન અને સમૃદ્ધ ઐતિહાસીક સ્મારકો-વારસાને નવી વૈશ્વિક ઓળખ મળી છે. વડનગરની પ્રત્યક્ષ મુલાકાતથી જ ૨૫૦૦ વર્ષ જૂની સંસ્કૃતિ-વારસાની અનુભૂતિ કરી શકાશે તેમ જણાવી ઉપસ્થિત સૌ મહાનુભાવો, સંશોધકો, પુરાતત્વવિદો અને વિદ્યાર્થીઓને ઐતિહાસિક નગર વડનગરની મુલાકાત લેવા મુખ્ય સચિવએ આ પ્રસંગે અનુરોધ કર્યો હતો.

વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સના સમાપન સમારોહમાં રાજ્યના રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કોન્ફરન્સ વડનગરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવાની સાથેસાથે સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ મહત્વની પૂરવાર થશે.

તેમણે ઉમેર્યું કે, આ ત્રિદિવસીય કોન્ફરન્સનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે, કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યમંત્રી મીનાક્ષી લેખી અને રાજ્યના યુવક સેવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી, યુનેસ્કોના પ્રતિનિધિ સહિતના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયો હતો. આ  ત્રણ દિવસ દરમિયાન છ અલગ અલગ સત્રો યોજાયા હતા. જેમાં વડનગરના પુરાતત્વ અવશેષો, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સામાજિક, ધાર્મિક માન્યતાઓ અને વિશ્વભરમાં અલગ અલગ સ્થળોએ થતા પુરાતત્વીય સંશોધનો સંદર્ભે વિશદ ચર્ચાઓ હાથ ધરાઈ હતી. જેમાં વડનગરના નગરજનો પણ જોડાયા હતા. આજે સમાપન બાદ તમામ મહાનુભાવોને વડનગર સાઈટની મુલાકાત પણ કરાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, આ કોન્ફરન્સ દરમ્યાન ગુજરાત સરકાર અને ભારતભરની વિવિધ યુનિવર્સિટીઓ વચ્ચે એમ.ઓ.યુ પણ થયા છે. જેમાં ગુજરાત સહિત વડનગરની સંસ્કૃતિ બૌદ્ધ વારસો, પુરાતત્વીય અવશેષો પર સંશોધનો માટે ભાર મુકાશે. 

આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેકટર જનરલ વી. વિદ્યાવતીએ કોન્ફરન્સના આયોજનને આવકારતા કહ્યું કે વડનગરના પુરાતત્વીય વારસાને જાળવીને તેના સંશોધનો થકી વૈશ્વિકસ્તરે નામના મેળવી ત્રિદિવસીય કોન્ફરન્સમાં થયેલું ચિંતન-મનન દેશભરમાં પુરાતત્વીય ક્ષેત્રે થતાં સંશોધનો માટે મહત્વના પૂરવાર થશે.

ડેક્કન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.વસંત શિંદેએ પ્રાસંગિક ઉદબોધનમાં વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં થયેલી ચર્ચાઓ અને આગામી સમયમાં એના થકી થનાર ફાયદાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં સાત યુનિવર્સિટી સાથે MOU કરવામાં આવ્યા હતા. જેમાં એમ.એસ. યુનિવર્સિટી, સેપ્ટ યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, આઇઆઇટી ગાંધીનગર, અનંત નેશનલ યુનિવર્સિટી, ડેક્કન યુનિવર્સિટી અને બનારસ હિન્દુ યુનિવર્સિટી સાથે પુરાતત્વ-સંશોધન અને ખોદકામ, સાંસ્કૃતિક વારસાનો અભ્યાસ, હેરિટેજ સંરક્ષણ, આર્કિટેક્ટ દસ્તાવેજીકરણ અને વિશ્લેષણ, વર્કશોપ, સિમ્પોઝિયમ અને કોન્ફરન્સ, પ્રવાસન વ્યવસ્થાપન-વિકાસ અને સંગ્રહાલયો સંબંધિત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સંદર્ભે ગુજરાત સરકાર સાથે MOU કરવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના ડાયરેક્ટર પંકજ શર્મા, યુનેસ્કોના પ્રતિનિધિ પ્રોફેસર અમરેશ્વર ગાલા, પુરાતત્વ વિભાગના પ્રોફેસર રોબિન કનિંગમ, ભારતભરની વિવિધ યુનિવર્સિટીઓના વ્યાખ્યાતાઓ, પુરાતત્વીય સંશોધકો-વિદ્યાર્થીઓ, ગુજરાત રાજ્ય અભિલેખાગાર તથા કેન્દ્રીય પુરાતત્વ વિભાગના અધિકારીઓ, વડનગરવાસીઓ સહિત ઇતિહાસ ક્ષેત્રે અભિરુચિ ધરાવતા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button