હાઈકોર્ટે પીડિતાના નિવેદનને અયોગ્ય ગણાવી દુષ્કર્મના આરોપીને જામીન આપ્યા
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે દુષ્કર્મના કેસમાં આરોપીને જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે આરોપો અને પુરાવા વચ્ચે સામાન્ય સમજ અને તર્ક હોવો જોઈએ. ફક્ત પીડિતાના નિવેદનને સાચું સમજીને સ્વીકારવું પૂરતું નથી. સાક્ષીઓ જૂઠું બોલી શકે છે, સંજોગો જૂઠું બોલતા નથી. એડિશનલ સેશન્સ જજ વિજય કુમાર ઝાએ પણ પોલીસને આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવાથી રોકી હતી. ન્યાયાધીશે કહ્યું- જો કોર્ટને પીડિતાનું નિવેદન સાચું લાગે છે તો તે આરોપીને દોષિત ઠેરવી શકે છે. તપાસ એજન્સીઓને આ અધિકાર નથી.
કોર્ટે તપાસમાં બેદરકારી દાખવવા બદલ પોલીસને ફટકાર લગાવી હતી. જજે કહ્યું- તપાસમાં જે રીતે બેદરકારી દાખવવામાં આવી તેનાથી કોર્ટના અંતરાત્માને ઠેસ પહોંચી છે. તપાસ એજન્સીઓ ફરિયાદીના નિવેદનને સાચા માની શકતી નથી. જો આવું હોત તો દુષ્કર્મના કેસોની તપાસ કરવાની જરૂર ન પડી હોત.
જાણો શું છે સમગ્ર કિસ્સો?
એક યુવતીએ ધર્મેન્દ્ર કુમાર નામના યુવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે 22 માર્ચે આરોપીએ લગ્નની લાલચ આપી અને તેના પર બળાત્કાર કર્યો. પોલીસે CrPCની કલમ 164 હેઠળ પીડિતાનું નિવેદન નોંધ્યું હતું. જોકે, આરોપીએ પીડિતાના નિવેદનને ખોટુ, બનાવટી અને અયોગ્ય ગણાવ્યું હતું. આરોપીએ કહ્યું કે તેણે પીડિતા સાથે ક્યારેય શારીરિક સંબંધો બાંધ્યા નથી. પીડિતાએ પૈસા પડાવવા માટે તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. યુવતીની વાત વિશ્વાસપાત્ર નથી.
જોકે, આરોપીને જામીન આપતાં કોર્ટે કહ્યું- અમે યુવતીના નિવેદનમાં વિરોધાભાસ જોયો છે. પ્રથમ તો FIR દાખલ કરવામાં વિલંબ થયો. ત્યારબાદ પીડિતાની તબીબી તપાસ પણ કરાઈ ન હતી.
આ પણ વાંચો: બળાત્કારનો આરોપી ત્રણ વખત નપુંસક સાબિત થયો, હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન