ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુકેશ અંબાણીને એક અઠવાડિયામાં ત્રીજીવાર મળી જાનથી મારી નાખવાની ધમકી, 400 કરોડની માંગ

Text To Speech
  • મુકેશ અંબાણીને 400 કરોડની માંગ સાથેનો ત્રીજો ધમકીભર્યો ઈમેલ મળ્યો
  • અગાઉ 200 કરોડ અને 20 કરોડ રૂપિયા આપવાની કરવામાં આવી હતી માંગ

મુંબઈ,31 ઓકટોબર : એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને એક અઠવાડિયામાં ત્રીજીવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુકેશ અંબાણીની કંપનીને સોમવારે એક અજાણ્યા વ્યક્તિ તરફથી રૂપિયા 400 કરોડની માંગણી કરતો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, એમ મુંબઈ પોલીસે મંગળવારે જણાવ્યું છે. અધિકારીના જણાવ્યા મુજબ, “ચાર દિવસમાં અંબાણીને મોકલવામાં આવેલો આ ત્રીજો ધમકીભર્યો ઈમેલ છે”. અગાઉ મુકેશ અંબાણીને 200 કરોડ અને 20 કરોડ રૂપિયા આપવાની માંગ સાથે જાનથી મારી નાખવાનો ઈમેલ મળ્યો હતો.

ઈમેલ મોકલનાર દ્વારા માંગની રકમ બમણી કરવામાં આવી

અધિકારીના જણાવ્યા મુજબ, અગાઉ શુક્રવારે એક અજાણી વ્યક્તિ પાસેથી રૂપિયા 20 કરોડની માંગ કરતો પહેલો ઈમેલ મળ્યા બાદ ઉદ્યોગપતિના સુરક્ષા પ્રભારીએ નોંધાવેલી ફરિયાદના આધારે અહીં મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. ત્યારબાદ શનિવારે, કંપનીને ફરી એકવાર રૂપિયા 200 કરોડની માંગ કરતો બીજો ઈમેલ મળ્યો હતો. હવે કંપનીને સોમવારે ત્રીજો ઈમેલ મળ્યો છે, જેમાં ઈમેલ મોકલનારે માંગની રકમને બમણી કરી છે. વારંવાર મળતી ધમકીભર્યા ઈમેલના આધારે મુંબઈ પોલીસ, તેમની ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ટીમ ઈમેલ મોકલનારને શોધવા માટે તપાસ કરી રહી છે.

મુકેશ અંબાણીને પહેલા પણ મળી ચૂકી છે ધમકીઓ

ગયા વર્ષે, મુંબઈ પોલીસે અંબાણી અને તેમના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ બિહારના દરભંગામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીઓએ મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની પણ ધમકી આપી હતી. ત્યારબાદ હવે એક અઠવાડિયામાં ત્રણ વાર જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે.

આ પણ જાણો :મુકેશ અંબાણીને ફરી ધમકી, હવે માંગ્યા 200 કરોડ

Back to top button