ટીમ ઈન્ડિયાએ મેદાન ઉપર આ રીતે આપી બિશનસિંઘ બેદીને શ્રદ્ધાંજલિ
- લખનઉમાં ડાબા હાથે કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા ભારતીય ખેલાડી
- દિગ્ગજ સ્પિનર બિશનસિંઘ બેદીને ડાબા હાથ પર કાળી પટ્ટી બાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી
- બિશનસિંઘ બેદીના નિધનબાદ પ્રથમવાર ભારતીય ટીમ મેચ રમવા આવી
લખનઉ, 29 ઑક્ટોબરઃ લખનઉના એકાના સ્ટેડિયમ ખાતે ICC ક્રિકેટ વર્લ્ડ કપની 29મી મેચમાં ભારત અને વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમો સામસામે છે. આ મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓ ડાબા હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. દરેક વ્યક્તિ જાણવા માંગતા હતા કે તેની પાછળનું કારણ શું છે. મેચ શરૂ થવાની થોડી મિનિટો પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ડાબા હાથ પર કાળી પટ્ટી બાંધીને ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર સ્વર્ગસ્થ બિશનસિંઘ બેદીને શ્રદ્ધાંજલિ આપી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન બિશનસિંઘ બેદીનું ગત સોમવારે 23 ઓક્ટોબરના રોજ નિધન થયું હતું.
BCCIએ X પર લખ્યું હતું કે, ICC વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય ખેલાડીઓ બિશનસિંઘ બેદીની યાદમાં કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરશે. 22 ઓક્ટોબર પછી પ્રથમ વખત ભારતીય ટીમ વર્લ્ડ કપમાં મેચ રમવા આવી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં જીતની સિક્સર મારવા માંગે છે.વર્તમાન વર્લ્ડ કપમાં ભારતીય ટીમે સતત 5 મેચ જીતી છે. આવી સ્થિતિમાં તેનો ઉત્સાહ વધારે છે.
બિશનસિંઘ બેદીની ક્રિકેટ કારકિર્દી
બિશનસિંઘ બેદીનું લાંબી બીમારી બાદ 77 વર્ષની વયે અવસાન થયું. અમૃતસરમાં જન્મેલા બિશનસિંઘ બેદીએ 1967માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. બેદીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પોતાની પ્રથમ મેચમાં 2 વિકેટ લીધી હતી. તેમણે 1979માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમીને ક્રિકેટને અલવિદા કહી દીધું. બેદીએ 67 ટેસ્ટ મેચમાં 266 વિકેટ લીધી હતી જ્યારે તેમણે 10 વનડે મેચમાં 7 વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત
લખનઉમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું કહ્યું હતું. ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી અને તેણે 40 રનના કુલ સ્કોર પર શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર જેવા બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સેમીફાઈનલની ટિકિટ મેળવશે.
આ પણ વાંચો, PM નરેન્દ્ર મોદી સોમવારથી બે દિવસ ગુજરાતની મુલાકાતે