ગુજરાતટ્રેન્ડિંગનેશનલ

ગૂગલ પર આપઘાતનો શ્રેષ્ઠ રસ્તો…સર્ચ કરનાર યુવકને ઈન્ટરપોલે કરી મદદ?

Text To Speech

મુંબઈઃ આપઘાતનો શ્રેષ્ઠ રસ્તો કયો?… એવું ગૂગલ ઉપર સર્ચ કરનાર મુંબઈના એક યુવકને પોલીસે બચાવી લીધો છે. વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય પોલીસ – ઈન્ટરપોલની ચાંપતી નજર અને સતર્કતાને કારણે મુંબઈના આ યુવકનો જીવ બચ્યો છે.

અહેવાલ મુજબ, બે દિવસ પહેલાં એટલે કે મંગળવારે ગૂગલ સર્ચ ઉપર ચાંપતી નજર રાખી રહેલી ઈન્ટરપોલ પોલીસ “આપઘાતનો શ્રેષ્ઠ રસ્તો કયો?”… એવા વારંવાર થઈ રહેલા ગૂગલ સર્ચથી એકાએક સતર્ક થઈ ગઈ હતી.

ઈન્ટરપોલને તરત જ ખ્યાલ આવી ગયો કે આ સર્ચ મુંબઈમાં કોઈ જગ્યાએ થઈ રહી છે. યુવક તેના મોબાઇલ મારફત આ સર્ચ કરતો હતો તેથી સર્ચમાં તેનો નંબર પણ ઈન્ટરપોલને મળી ગયો. ઈન્ટરપોલે તત્કાળ મુંબઈ પોલીસને ઈમેલ કરીને આ અંગે સાવધ કરી અને યુવકનો ફોન નંબર મુંબઈ પોલીસને આપ્યો.

મુંબઈ પોલીસે પણ એવી જ સતર્કતા અને ચપળતા દાખવીને પોલીસ અધિકારીઓની એક વિશેષ ટીમને કામગીરી સોંપી દીધી. આ ટીમે ઈન્ટરપોલે તેમને આપેલા મોબાઇલ નંબરનું લોકેશન ટ્રેક કર્યું તો તે મલાડનું હોવાનું જણાયું. ટીમ તરત જ રવાના થઈ અને ટ્રેક થયેલા લોકેશન મુજબ સીધો આ યુવકના ઘરનો દરવાજો ખખડાવ્યો. તેને પોલીસ મથક લઈ જવામાં આવ્યો અને તે શા માટે આપઘાતના રસ્તા વિશે સર્ચ કરે છે તે અંગે પૂછપરછ કરી.

યુવકે જણાવ્યું કે, તે ઘણા સમયથી બેરોજગાર છે અને ઉપરથી તેની માતાને જામીન ઉપર છોડાવવા માટે નાણાની વ્યવસ્થા પણ કરી શકતો નથી. આથી કંટાળીને તે આપઘાતના રસ્તા વિશે ગૂગલ સર્ચ કરતો હતો. વધુ પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, યુવક વાસ્તવમાં રાજસ્થાનનો છે. તે ત્રણ વર્ષ પહેલાં મુંબઈ આવ્યો હતો. કમ્પ્યૂટરમાં ડિપ્લોમા લીધા બાદ તેને મીરા રોડ પરની રિયલ એસ્ટેટની એક કંપનીમાં કામ પણ મળી ગયું હતું. પરંતુ છ મહિના પહેલાં તેણે નોકરી ગુમાવી અને ત્યારથી અનેક જગ્યાએ પ્રયાસ કરવા છતાં નોકરી મળતી નહોતી. આવી બધી માનસિક સ્થિતિમાં તે છેલ્લા બે દિવસથી આપઘાત કરવાનો શ્રેષ્ઠ રસ્તો કયો એવું ગૂગલ ઉપર સર્ચ કરી રહ્યો હતો.

જોકે, ઈન્ટરપોલ અને મુંબઈ પોલીસની સતર્કતાએ એક જિંદગી બચાવી લીધી છે.

આ પણ વાંચોઃ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: ગુજરાતમાં વર્ષે આત્મહત્યાના કેસ જાણી રહેશો દંગ

Back to top button