ભારે વરસાદના પગલે ગુજરાતના અસરગ્રસ્ત નાના વેપારીઓને સરકાર આપશે સહાય
રાજ્યમાં ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિના એકમોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનુ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નાના અને મધ્યમ વેપારીઓ પ્રત્યે ઉદાર વલણ રાખીને રાજ્ય સરકારે આ સહાય આપવાનું નક્કી કર્યું છે.
આ ઉપરાંત લારી, રેકડી, નાની સ્થાયી કેબીન, મોટી કેબીન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન, મોટી દુકાન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન એટલે કે જે દુકાનનું પાકુ બાંધકામવાળુ સ્થાયી માળખુ ધરાવતા હોય તેવા અસરગ્રસ્ત લોકોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
મધ્યમ અને મોટા વ્યપાર સાથે સંકળાયેલાને બેંક લોન માટે વ્યાજની સબસિડી સહાય
અસરગ્રસ્ત વિસ્તારોમાં મધ્યમ અને મોટા વ્યપાર સાથે સંકળાયેલા લોકોને જે નુકશાન થયું હોય તે પ્રત્યે પણ ઉદાર વલણ દાખવીને રાજ્ય સરકારે બેંક લોન માટે વ્યાજની સબસિડીની સહાય આપવાનું નક્કી કર્યું છે. અગાઉ ભારે વરસાદની પ્રવર્તમાન પરિસ્થિતિથી અસરગ્રસ્ત નવ જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ,આણંદ, અરવલ્લી , બનાસકાંઠા, મહિસાગર જિલાલામાં આજદિન સુધીમાં અતિવૃષ્ટિને કારણે રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રૂ. ૭૭ લાખ ૪૫ હજારથી વધુ રકમની અસરગ્રસ્તોને કેશડોલ્સની ચુકવણી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદથી નુકશાન પામેલ ઘરવખરી માટે રૂ. ૪ કરોડ ૯૬ લાખ ૭૭ હજારથી વધુ રકમની ચુકવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીઓની તૈયારીઓનો શુભારંભ, EVM ચેકિંગ અંગે યોજાયો વર્કશૉપ