ગીર સોમનાથ જિલ્લામાં જંગલી પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં આવી પ્રાણીઓ તેમજ લોકો પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં દીપડાના હુમલાની આવી વધુ ઘટનાઓ આવી છે. સુત્રાપાડા પંથકમાં દીપડો હાહાકાર મચાવી રહ્યો છે.
દીપડાએ 24 કલાકમાં ત્રણને શિકાર બનાવ્યા
પ્રાપ્ત વિગતો મુજબ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં દીપડાએ હાહાકાર મચાવ્યો હતો. દીપડાએ 24 કલાકમાં ત્રણ લોકો પર હુમલા કર્યા હતા. જેમાં ગત રોજ બે વર્ષના બાળકને પોતાના જ ઘરેથી ઉઠાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. જ્યારે વહેલી સવારે આ જ ગામના અન્ય એક વૃદ્ધા પર હુમલો કરતા વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ સાથે જ મંગળવારે મોડી રાત્રે સુત્રાપાડાના મોરડીયા ગામે દીપડાએ 75 વર્ષની વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હતો આમ 3 લોકો પર હુમલામાં બેનાં મોત થયાં છે, જ્યારે અન્ય એક મહિલાને કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
મટાણામાં દીપડો બે વર્ષના બાળકને ઉઠાવી ગયો હતો
ગઈકાલે સુત્રાપાડા તાલુકાના મટાણા ગામમાં રાત્રિના સમયે બાળક ઘરની બહાર આવતાં જ દીપડો તરાપ મારી તેને ઉઠાવી ગયો હતો. પરિવારની નજર સામે જ બાળકને ઉઠાવી જતા તેમની માતા સહિત પરિવાર બૂમાબૂમ કરવા લાગ્યા હતા જેને સાંભળને આસપાસના લોકો અહી દોડી આવ્યા હતા, આ બાળકની શોધખોળ શરુ કરી હતી.કલાકોની શોધખોળ બાદ આ બાળક શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યું હતું. પરિવારજનો પોતાના વાહલસોયા દીકરાના મૃતદેહને જોઇ આક્રંદ કરવા લાગ્યા હતા.
આ પણ વાંચો : રાજસ્થાનમાં ફરી અંજુ વાળી થઈ! 2 બાળકોની માતા પ્રેમી સાથે વિદેશ ભાગી, બુરખામાં પતિને મોકલી તસવીરો
ઓસરીમાં સૂતા વૃદ્ધા પર દીપડાએ કર્યો હુમલો
જ્યારે બીજી ઘટનામાં ગઈકાલે વહેલી સવારમાં મટાણા જ ગામના અન્ય એક વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો, આ વુદ્ધા પોતાની જ ઓસરીમાં સૂઈ રહ્યા હતા આ દરમિયાન આદમખોર દીપડાએ આ વૃદ્ધા પર હુમલો કર્યો હતો, જોકે ત્યારે પણ વૃદ્ધાના ઘરના લોકોની નજર પડતા દીપડો ત્યાંથી પલાયન થઈ નાસી ગયો હતો. પરંતુ 75 વર્ષના વૃદ્ધા ને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
ઓસરીમાં બેઠેલા વૃદ્ધાને દીપડો ઉઠાવી ગયો હતો
દીપડાનના હુમલાની ત્રીજી ઘટનામાં સુત્રાપાડાના મોરડીયા ગામે દીપડાએ 75 વર્ષના રાજીબેન કરસનભાઈ ચાંડેરા નામના વૃદ્ધા પર હુમલો કર્યો હતો.આ વૃદ્ધ મહિલા તેમના ઘરે ઓસરીમાં બેઠા હતા ત્યારે આદમખોર દીપડો પરિવારની નજર સામે જ તેમને ઉઠાવી ગયો હતો હતો અને વૃદ્ધ મહિલાને વાડીમાં છોડી દીપડો નાસી છૂટ્યો છે.
દીપડો પાંજરે પુરાતાં સ્થાનિકોમાં હાશકારો
પરિવાર દ્વારા જ્યાં સુધી દીપડો ના પકડાય ત્યાં સુધી વૃદ્ધાનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, તમામ ઘટના બાદ વન વિભાગને જાણ થતા વન વિભાગ એક્શનમાં આવ્યું હતું. અને આદમખોર દીપડાને પકડવા ચાર જેટલા પાંજરા મંગાવી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી. હાલ વન વિભાગ દ્વારા આદમખોર દીપડો આખરે પાંજરામાં કેદ કરવામા આવ્યો છે. હવે વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.આદમખોર દીપડો પાંજરે પુરાતાં લોકોએ હાશકારો લીધો હતો.
છ મહિનામાં 6 લોકોના મોત
વન અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા છ મહિનામાં આ વિસ્તારમાં દીપડાના હુમલામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત નિપજ્યા છે.
આ પણ વાંચો : BREAKING : ભરૂચના હાંસોટમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચારનાં મોત