મહિલાઓને આર્થિક સ્વતંત્રતા અપાવવામાં અમદાવાદ જિલ્લાની નોંધપાત્ર કામગીરી
- અમદાવાદ જિલ્લાના ૯ તાલુકામાં કુલ ૧૦,૧૨૬ મહિલા સ્વસહાય જૂથ કાર્યરત
- વર્ષ ૨૦૨૨-૨૩માં કમ્યૂનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અંતર્ગત ફાળવાયા રૂ. ૨.૩૬ કરોડ, રિવોલ્વિંગ ફંડ પેટે રૂપિયા ૩૭.૭૦ લાખની ફાળવણી
- ‘જય જોગણી મા’ સ્વસહાય જૂથનું કલાત્મક ઈંઢોણી બનાવી વાર્ષિક ધોરણે ૬૦થી ૭૦ હજાર રૂપિયાનું ટર્નઓવર
- મહિલા સ્વસહાય જૂથો મહિલા સ્વાવલંબનની દિશામાં એક ક્રાંતિકારી પગલું – જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે
નારી શક્તિના વિકાસ થકી દેશનો વિકાસ આ કાર્યમંત્ર સાથે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સેવારત છે. મહિલાઓને શ્રેષ્ઠ જીવનધોરણ ઉપરાંત આર્થિક સ્વતંત્રતા આપવા માટે ધિરાણ અને સબસિડી સ્વરૂપે ખૂબ જ મોટું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
‘જય ચામુંડા સ્વસહાય જૂથ’ની કામગીરી
અમદાવાદના સાણંદ તાલુકાના ઝાપ ગામે ‘જય ચામુંડા સ્વસહાય જૂથ’ કાર્યરત છે. આ સખી મંડળમાં પાંચ બહેનો ગામની સાફ-સફાઈ કરી રૂપિયા ૩૦૦૦નું માસિક વેતન મેળવે છે. ઉત્તમ કામગીરીને પગલે જય ચામુંડા સ્વસહાય જૂથના બહેનોને ગ્રામ પંચાયત દ્વારા ગામની સાફ-સફાઈનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. જેના પરિણામે મહિલાઓને ઘરઆંગણે જ રોજગારી મળે છે, અને ગ્રામજનોને ગુણવત્તાયુક્ત સેવા.
‘જય જોગણી મા’ સ્વસહાય જૂથની કામગીરી
આવું જ અન્ય એક સ્વસહાય જૂથ છે ‘જય જોગણી મા’ સ્વસહાય જૂથ. આ જૂથની ૩ મહિલા કલાત્મક ઈંઢોણી બનાવીને વાર્ષિક ધોરણે ૬૦થી ૭૦ હજાર રૂપિયાનું ટર્નઓવર કરે છે. આ બન્ને સ્વસહાય જૂથોને ૨૦-૨૦ હજારનું રિવોલ્વિંગ ફંડ આપવામાં આવ્યું છે.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીએ આપી માહીતી
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેના જણાવ્યા મુજબ, મહિલા સ્વસહાય જૂથો મહિલા સ્વાવલંબનની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે. તેમને સરકાર દ્વારા આપતા નાણાકીય પ્રોત્સાહનથી મહિલાઓ વ્યક્તિગત વિકાસની સાથે પારિવારિક અને સામાજિક વિકાસમાં ભાગીદાર બની રહી છે.
આ પણ વાંચો : અંબાજી ગબ્બર વિસ્તારમાં દીપડો દેખાતા ભારે ચકચાર, શક્તિપીઠ પરિક્રમા માર્ગ કરાયો બંધ
NRLM અંતર્ગત ૧૦,૧૨૬ જેટલા મહિલા સ્વ સહાય જૂથોને સહાય
ઉલ્લેખનીય છે કે, નેશનલ રુરલ લાઈવલીહૂડ મિશન (NRLM) અંતર્ગત અમદાવાદ જિલ્લામાં કાર્યરત ૧૦,૧૨૬ જેટલા મહિલા સ્વ સહાય જૂથોને વર્ષ ૨૦૨૨-૨૩માં કમ્યૂનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અંતર્ગત અંદાજે રૂપિયા ૨.૩૬ કરોડ અને રિવોલ્વિંગ ફંડ પેટે ચૂકવાય રૂપિયા ૩૭.૭૦ લાખની ચૂકવણી કરવામાં આવી છે. આમ, કલેકટર પ્રવીણા ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેના માર્ગદર્શનમાં જિલ્લા ગ્રામવિકાસ એજન્સીની ટીમે મહિલાઓને આર્થિક સ્વતંત્રતા અપાવવામાં નોંધપાત્ર કામગીરી કરી છે.
કેવી રીતે ચૂકવાય છે ધિરાણ અને સહાય?
મહિલા સ્વસહાય જૂથોને ધિરાણ અને સબસીડી આપવા માટે કેટલાક માપદંડો નક્કી કરાયા છે. જેમાં કોઈપણ સ્વસહાય જૂથને સબસીડી આપવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી બચત કરવી પડે છે. ત્યારબાદ તેમની બચત અને અન્ય ધારાધોરણો પ્રમાણે તેમના સ્વસહાય જૂથને ૧૦૦માંથી માર્ક આપવામાં આવે છે. આ માર્કસના આધારે ગ્રેડિંગ કરી વધુમાં વધુ દોઢ લાખની સહાય ચૂકવવામાં આવે છે. નજીકના ગામોના ૧૦ સ્વસહાય જૂથનું ક્લસ્ટર બનાવીને તેને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્વરૂપે પરવડે તેવા વ્યાજ સાથે ધિરાણ પણ આપવામાં આવે છે. જેને કોમ્યૂનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો : દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડ પાસે લાગી આગ, ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી